અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન સાથે વેપાર કરનારા બધા જ દેશો પર વધારાના ૨૫ ટકા ટેરિફ નાંખવાની ધમકીના પગલે ભારતે ઈરાનના ચાબહાર બંદર પર કામકાજ બંધ કરી દીધું છે. બીજીબાજુ ઈરાન પર સૈન્ય કાર્યવાહીની ટ્રમ્પની ધમકી વચ્ચે કેટલાક દેશોએ ઈરાનમાં દૂતાવાસો બંધ કરી દીધા છે. આવા સમયે રશિયા પણ મધ્ય-પૂર્વના તણાવમાં કૂદી પડયું છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે અને ત્યાર પછી ઈરાનના પ્રમુખ પ્રમુખ મસૌદ પેઝેશકિયન સાથે ટેલિફોન પર વાત કરી હતી. બીજીબાજુ ઈરાનની મસ્જિદોમાંથી દેખાવકારોના કત્લેઆમનો ફતવો જાહેર કરાયો હતો.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરનારા બધા જ દેશો પર વધારાનો ૨૫ ટકા ટેરિફ નાંખવાની ધમકી આપ્યા પછી ભારત ઈરાનમાં વ્યૂહાત્મક સ્થળે આવેલા ચાબહાર બંદરમાં કામકાજ ચાલુ રાખવા અંગે અનેક વિકલ્પો તપાસી રહ્યું છે. ઈરાનના દક્ષિણ કાંઠે સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત ચાબહાર બંદર વિકસાવવામાં ભારત ઈરાનનું મોટું ભાગીદાર છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારત આ મુદ્દા પર અમેરિકા સાથે વાટાઘાટો કરી રહ્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો નાંખ્યા હતા, પરંતુ અમેરિકાએ ભારતને ચાબહાર બંદર પ્રોજેક્ટ પર કામકાજ ચાલુ રાખવા છ મહિનાની છૂટ આપી હતી, જે ૨૬ એપ્રિલે પૂરી થશે.
અમેરિકાના ટેરિફ અને પ્રતિબંધોથી બચવા માટે ચાબહાર બંદરના સંચાલન માટે ભારતે સ્થાપેલી કંપની ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિ. (આઈપીજીએલ)ના બોર્ડમાંથી બધા જ ભારતીય સરકારી ડિરેક્ટરોએ સામૂહિક રાજીનામા આપી દીધા. ભારતે ૧૨૦ મિલિયન ડોલર ટ્રાન્સફર કરીને દેવું અને બાકી રકમ ચૂકવી દીધી હોવાનું મનાય છે. કંપનીએ તેની વેબસાઈટ પણ બંધ કરી દીધી છે. આ સાથે ઈરાનમાં ફસાયેલા ભારતીયો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ઈરાનની વર્તમાન સ્થિતિ પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. ભારતે અત્યાર સુધીમાં ત્રણ એડવાઈઝરી જાહેર કરી ભારતીય નાગરિકોને ઈરાન છોડવા તાકીદ કરી હતી. ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા સરકાર ગમે તે કરી છૂટવા તૈયાર છે.
દરમિયાન મધ્ય-પૂર્વના મુસ્લિમ દેશો કતાર, ઈજિપ્ત, ઓમાન અને સાઉદી અરબે પ્રમુખ ટ્રમ્પને ઈરાન પર હુમલો રોકવા અપીલ કરી હતી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે ઈરાનમાં અમેરિકાની દખલથી વૈશ્વિક ઊર્જા અને અર્થતંત્રને હચમચાવી નાંખશે. બીજીબાજુ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પણ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે અને ત્યાર પછી ઈરાનના પ્રમુખ મસૌદ પેઝેશકિયન સાથે ટેલિફોન પર વાત કરી હતી અને મધ્ય-પૂર્વમાં શાંતિ અને સ્થિરતા પર ભાર મૂક્યો હતો. પુતિને મધ્યસ્થી બનવા પણ ઓફર કરી હતી. નેતન્યાહુએ પણ ટ્રમ્પને ફોન કરીને ઈરાન પર સૈન્ય કાર્યવાહી નહીં કરવા વિનંતી કરી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.
બીજીબાજુ ઈરાનમાં અમેરિકા હાલ સૈન્ય કાર્યવાહી નહીં કરે અને ખામેનેઈના માથેથી જોખમ ટળી ગયું છે તેવી અટકળો વચ્ચે તેહરાનમાં શુક્રવારની નમાઝ પછી મસ્જિદોમાંથી દેખાવકારોની કત્લેઆમનો ફતવો જાહેર કરાયો છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડે દેશભરમાંથી ૩,૦૦૦થી વધુ આતંકીઓની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે. સરકારનો દાવો છે કે આ લોકો સામાન્ય દેકાવકારો નથી. વિદેશી તાકતોના ઈશારે કામ કરતા તાલમબદ્ધ આતંકીઓ છે.
દરમિયાન છેલ્લા ૧૯ દિવસથી ચાલતા હિંસક દેખાવોમાં ઈરાનને ભારે નુકસાન થયું છે. ૩,૪૦૦થી વધુ દેખાવકારોના મોત થયા છે ત્યારે ઈમર્જન્સી સર્વિસને ૫૩ લાખ ડોલરનું નુકસાન થયું છે. ૪,૭૦૦ બેન્કો, ૨૬૫ સ્કૂલ અને શિક્ષણ કેન્દ્રો, ૩ મોટી લાઈબ્રેરી, ૮ સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળ અને ચાર સિનેમાઘરને નુકસાન થયું છે.

