બુધવાર વહેલી સવારે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરનારા વાવાઝોડા મોન્થાથી ૧.૫૦ લાખ એકર જમીન પર તૈયાર થયેલા ખેતીના પાકને નુકસાન થયું છે તથા વીજ પુરવઠો અને ટ્રાન્સપોર્ટેશનમાં અવરોધ ઉભો થયો હતો. સરકારે જણાવ્યું હતું કે સાવચેતીના પગલાંને કારણે નુકસાન ઓછું થયું છે.

આંધ્રનાં મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું છે કે રાજ્યમાં મોન્થા વાવાઝોડાને કારણે બે વ્યકિતઓનાં મોત થયા છે. સરકારે લીધેલા સાવચેતીનાં પગલાંને કારણે નુકસાન ઓછું થયું છે.
અસગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન નાયડુ કોનાસિમા જિલ્લાનાં અલ્લાવરમ મંડલના ઓડાલારેવુ ગામનાં રિલીફ કેમ્પ પહોંચ્યા હતાં. અહીં મુખ્યપ્રધાને પીડિતોને ૨૫ કીલો ચોખા સહિતની જીવનજરૃરી વસ્તુઓ વહેંચી હતી. આ ઉપરાંત એક પરિવાર દીઠ ૩૦૦૦ રૃપિયા રોકડા પણ આપ્યા હતાં.
તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડાને પગલે ૧.૮ લાખ લોકો રિલીફ કેમ્પમાં ખસેડવામાં આવ્યા હોવાથી નુકસાન ઓછું થયું છે. ઇમરજન્સી સ્થિતિને ધ્યાનમાં રાખા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
આંધ્ર પ્રદેશમાંથી પસાર થયા પછી મોન્થા વાવાઝોડું તેલંગણા પહોંચ્યું હતું. જેના પગલે તેલંગણાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. હવામાન વિભાગે તેલંગણાના ૬ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરી હતી.
કલ્લેડામાં ૩૪૮.૩ મિમી, રેડલાવાડામાં ૩૦૧.૮ મિમી અને કાપુલારાનાપાર્થીમાં ૨૭૦.૩૦ મિમી વરસાદ નોંધાયો હતો. આ તમામ વિસ્તારો વારાંગલ જિલ્લામાં આવેલા છે.
રાજ્યમાં ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. ૨૪ કલાક માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે છ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી હતી તેમાં વારાંગલ, હનુમાકોંડા, મહેબુબાબાદ, જનગાવ, સિદ્દીપેટ અને યાદાદરી ભુવાનાગીરીનો સમાવેશ થાય છે.

