મોનથા વાવાઝોડું આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું છે. વાવાઝોડાના કારણે એક મહિલાનું મોત થયું છે જ્યારે 76 હજારથી વધુ લોકોને શિબિર કેમ્પમાં રાખવામાં આવ્યા છે.

મોનથા વાવાઝોડું આંધ્ર પ્રદેશથી પસાર થયું તે સમયે 90થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડું આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયાકાંઠે ટકરાયું હતું. કાકીનાડા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું હતું જ્યારે વિશાખાપટ્ટનમ અને મછલીપટ્ટનમના બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. બીજી તરફ ભારે વરસાદના કારણે ઓડિશામાં ભૂસ્ખલન થયું જેમાં ઘરોને નુકસાન પહોંચ્યું હતું.
વાવાઝોડું રાત્રિના 11.30થી 12.30ની વચ્ચે કાકીનાડા પાસે ટકરાયું હતું. જે બાદ દરિયાકાંઠા વિસ્તારમાં અનેક વૃક્ષો તથા વીજપોલ ધરાશાયી થઈ ગયા. 110 કિમી પ્રતિ કલાકના પવન સાથે અનેક જિલ્લામાં આખી રાત અતિભારે વરસાદ વરસ્યો. વૃક્ષ પડવાની ઘટનામાં એક મહિલાનું મોત પણ થયું છે.
વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશના અનેક જિલ્લામાં નાઈટ કરફ્યુ લગાવવામાં આવ્યું હતું. સાત જિલ્લામાં રાત્રિના સમયે વાહનોની અવર-જવર પર રોક લગાવી દેવામાં આવી હતી.

