NATIONAL : આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી : 1 જાન્યુ. 2026થી અમલની શક્યતા

0
68
meetarticle

કેન્દ્રીય કેબિનેટે આજે આઠમા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સ (ટીઓઆર)ને મંજૂરી આપી છે. આઠમા પગાર પંચના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઇની નિમણૂક કરવામાં આવી છે.

આઠમા પગાર પંચનો અમલ ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી કરવામાં આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષકતામાં મળેલ યુનિયન કેબિનેટની બેઠક પછી જારી સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આઠમા પગાર પંચની ભલામણોનો લાભ કેન્દ્ર સરકારનાં ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૯ લાખ પેન્શનરોને મળશે.

પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય લાભોની સમીક્ષા કરી તેમાં ફેરફારની ભલામણ કરશે. આ કમિશન પ્રથમ વચગાળાનો રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ ફાઇનલ રિપોર્ટ રજૂ કરશે. આ તમામ પ્રક્રિયા પગાર પંચની રચનાનાં ૧૮ મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે.

આઠમા પગાર પંચની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવ્યાના ૯ મહિના પછી કેન્દ્રીય કેબિનેટે આઠમા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી છે. ટર્મ્સ ઓફ રેફરન્સને બિહારમાં ૬ અને ૧૧ નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી અગાઉ મંજૂરી આપવામાં આવી છે.

કેબિનેટના નિર્ણય અનુસાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઇ આઠમા પગાર પંચના અધ્યક્ષ રહેશે. તેના પાર્ટ ટાઇમ સભ્ય તરીકે આઇઆઇએમ બેંગલોરનાં પ્રોફેસર પુલક ઘોષની નિમણૂક કરવામા આવી છે. પેટ્રોલિયમ સચિવ પંકજ જૈન મેમ્બર સેક્રેટરી રહેશે. દેસાઇ હાલમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન છે. ઉલ્લેખનીય છે કે દર દસ વર્ષે પગાર પંચની રચના કરવામાં આવી છે. આ વલણને ધ્યાનમાં રાખતા આઠમા પગાર પંચની ભલામણો એક જાન્યુઆરી, ૨૦૨૬થી લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે સાતમા પગાર પંચની રચના ફેબુ્રઆરી, ૨૦૧૪માં કરવામાં આવી હતી. તેની ભલામણો ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી અમલમાં મૂકવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પગાર અને પેન્શનમાં ૩૦ થી ૩૪ ટકાનો વધારો થવાની સંભાવના છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here