NATIONAL : આધાર કાર્ડ જ નહીં ડ્રાઈવિંગ લાઇસન્સ અને રેશન કાર્ડ પણ નકલી હોઈ શકે’, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

0
62
meetarticle

બિહારમાં ચૂંટણીઓ નજીક આવતા, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પરની ચર્ચા તેજ બની છે. સુપ્રીમ કોર્ટે SIR પર ચુકાદો આપતા આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં સામેલ કર્યું હતું. આ નિર્ણય સામે કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરાયો હતો કે નકલી આધાર કાર્ડનો ઉપયોગ નાગરિકતા સાબિત કરવા માટે થઈ શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી અને સ્પષ્ટતા કરી કે અન્ય દસ્તાવેજો પણ નકલી બનાવી શકાય છે, માત્ર આધાર કાર્ડ જ નહી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે લોકો નકલી આધાર કાર્ડ બનાવીને નાગરિકતા સાબિત કરી શકે છે. આના પર સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આધાર કાર્ડ ઉપરાંત અન્ય દસ્તાવેજો પણ નકલી બનાવી શકાય છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલય બાગચીની બેન્ચે અરજી પર સુનાવણી કરી. કોર્ટના જણાવ્યા અનુસાર, ‘રેશન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજો પણ નકલી હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ફક્ત આધાર કાર્ડને જ અલગ દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ.’

સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, ‘ડ્રાઇવિંગ લાઇસન્સ નકલી હોઈ શકે છે, રેશન કાર્ડ પણ નકલી હોઈ શકે છે. અન્ય દસ્તાવેજો પણ નકલી બનાવી શકાય છે. આધારનો ઉપયોગ કાયદા દ્વારા નિર્ધારિત મર્યાદા સુધી જ થવો જોઈએ.’

સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ

બિહાર ચૂંટણી પહેલા SIR પ્રક્રિયા હેઠળ, ચૂંટણી પંચે નાગરિકતા સાબિત કરવા માટે 11 દસ્તાવેજોની યાદી બહાર પાડી હતી, જેમાં આધાર કાર્ડનો સમાવેશ થતો નહોતો. આના પર નિર્ણય આપતા, સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે માન્યતા આપવાનો આદેશ આપ્યો હતો.

નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ થઈ હતી

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે નકલી આધાર કાર્ડ બનાવીને લોકો આ જોગવાઈનો દુરુપયોગ કરી શકે છે. આધારને નાગરિકતાના પુરાવા તરીકે ગણી શકાય નહીં. કોર્ટે 8 સપ્ટેમ્બરે કહ્યું હતું કે ચૂંટણી પંચે નોટિસ જારી કરીને આધારને માન્ય ઓળખ કાર્ડ તરીકે સ્વીકારવા કહ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here