આવકવેરાના રિટર્નમાં કોઈ ભૂલ થઈ હોય અને સીપીસી બેન્ગ્લોરના માધ્યમથી આકારણી અધિકારી સુધી કેસ પહોંચાડવામાં આવ્યો હોય તેવા કિસ્સાઓમાં હવે આકારણી અધિકારી ભૂલ સુધારણાનું કામ કરશે નહિ, તેને બદલે ભૂલ સુધારણાની કામગીરી સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર-સીપીસી બેન્ગ્લોરના અધિકારીઓને જ આપી દેવાનો નિર્ણય કરતો પરિપત્ર ૨૭મી ઓક્ટોબરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કર્યો છે.પરિણાામે કરદાતાઓ માટે રિટર્નમાં રહી ગયેલી ભૂલ સુધારવાની કામગીરી અત્યંત સરળ બની જશે.

કરદાતા રિટર્ન ફાઈલ કરે તે પછી તેના રિટર્નની પ્રોસેસ કરવા માટે સીપીસી બેન્ગ્લોર મોકલવામાંમ આવે છે. આ રિટર્નનું પ્રોસેસ કરીને કરદાતાની ટેક્સ ભરવાની કે રિફંડ મેળવવાની જવાબદારી નક્કી કરવામાં આવે છે. રિટર્નનું પ્રોસેસ કરતી વખતે ટીડીએસના આંકડાઓ મિસમેચ થાય કે બીજી કોઈ અનિયમિતતા દેખાય તો કે પછી ટેક્સની રકમ જમા કરાવ્યાનું ચલણ ન જોવા મળે તો તેવા સંજોગોમાં ટેક્સમાંથી તે ડિડક્શન આપવાની ના પાડી દઈને સીપીસી બેન્ગલોર કરદાતાઓને કલમ ડિમાન્ડ નોટિસ કરદાતાને મોકલી આપે છે. રિટર્નમાં રહી ગયેલી ક્ષતિની જાણકારી પણ કરદાતાને મોકલી આપે છે.
આ સ્થિતિમાં કરદાતાએ આવકવેરાની કલમ ૧૫૪ હેઠળ ભૂલ સુધારણા-રેક્ટિફિકેશન ઓફ મિસ્ટેક માટેની અરજી કરવાની આવે છે. આ અરજી સીપીસી બેન્ગ્લોરને ઓનલાઈન આપવાની હોય છે. આ તબક્કે સીપીસી બેન્ગ્લોર અવે દલીલ કરે છેકે આ રિટર્નમાં ભૂલ સુધારણા કરવાનું અમારા કાર્યક્ષેત્રમાં આવતું નથી. આ જવાબ આપીને સીપીસી બેન્ગ્લોર કરદાતાના કાર્યક્ષેત્રના આકારણી અધિકારીને તેના રિટર્નની કોપી અને તેની સાથે કરેલા પત્રવ્યવહારની વિગતો મોકલી આપે છે. તેમ જ કરદાતાને જે તે આકારણી અધિકારીનો સંપર્ક કરવાની સૂચના પણ મોકલી આપે છે. આકારણી અધિકારીએ રિટર્નની ભૂલ સુધારી આપવાની કામગીરી કરી આપવાની હોય છે.
કરદાતાઓ આકારણી અધિકારીને મળીને સીપીસી બેન્ગ્લોરે કાઢેલી ડિમાન્ડ નોટિસના અનુસંધાનમાં પોતાના ડિડક્શનનો ક્લેઈમ સાચા હોવાના પુરવાઓ રજૂ કરે છે. છતાંય આકારણી અધિકારીઓ કરદાતાએ રજૂ કરેલા પુરાવાઓ માન્ય રાખતા નહોતા. જોકે કેટલાક આકરણી અધિકારીઓ પુરાવાઓ માન્ય રાખીને રિટર્નમાં સુધારા કરી આપતા હતા. આ લાંબી જફામાંથી કરદાતાને મુક્તિ આપતો ઓર્ડર સીબીડીટીએ ૨૭મી ઓક્ટોબરે કર્યો છે. આ નોટિફિકેશનના માધ્યમથી રિટર્નમાં સુધારો કરવાની સત્તા સીપીસી બેન્ગ્લોરના અધિકારીઓને જ આપી દેવામાં આવી છે. પરિણામે સીપીસી બેન્ગ્લોરમાંથી કેસ આકારણી અધિકારી પાસે ટ્રાન્સફર થશે નહિ અને આકારણી અધિકારીને રિટર્ન ભરનાર કરદાતાએ મળવું પડશે.
તેને બદલે કરદાતાઓ ડિમાન્ડ નોટિસના સંદર્ભમાં પોતાની પાસેના ડિડક્શનના ક્લેઈમના પુરાવાઓ સીધા સીપીસી બેન્ગ્લોરને મોકલી આપવાના રહેશે. બેન્ગ્લોરના અધિકારીઓને યોગ્ય લાગશે તો તે ડિડક્શનના પુરાવાઓ સ્વીકારી લઈને રિટર્નમાં થયેલી ભૂલ સુધારી લેશે. આકારણી અધિકારી પાસે જવાની જફામાંથી કરદાતાને મુક્તિ મળી જશે.

