દેશના મોટાભાગના એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરો છેલ્લા એક સપ્તાહથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઇન્ડિગો દ્વારા દરરોજ અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ઇન્ડિગોની ફ્લાઇટોની ઉડાનમાં ૧૦ ટકાનો કાપ મુકી દીધો છે. આ ૧૦ ટકા ઉડાનની તક હવે અન્ય એરલાઇન્સને આપવામાં આવશે. જ્યારે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ ફરી કહ્યું છે કે તેઓ ઇન્ડિગોને છોડશે નહીં અને આકરી કાર્યવાહી કરાશે.

ઇન્ડિગો હાલમાં દરરોજ આશરે ૨૨૦૦ જેટલી ફ્લાઇટ ઓપરેટ કરે છે. કેન્દ્ર સરકારે આ ૨૨૦૦માંથી ૧૦ ટકા એટલે કે ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ પર હાલ પુરતા કાપ મુકી દીધો છે. આ નિર્ણય ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ વચ્ચેની બેઠક બાદ લેવાયો હતો. મંત્રી રામ મોહને કહ્યું હતું કે સમગ્ર સ્થિતિ અંગે અપડેટ આપવા માટે સીઇઓને મંત્રાલય બોલાવવામાં આવ્યા હતા, તેમણે ખાતરી આપી છે કે ૧૦૦ ટકા રિફંડ પૂર્ણ થઇ ગયું છે. મંત્રીએ વધુમાં સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે મંત્રાલય ઇન્ડિગોના તમામ રુટ્સને ઘટાડવા યોગ્ય સમજે છે. જેનાથી એરલાઇન્સના દૈનિક કાર્યમાં સ્થિરતા આવશે. સાથે જ કેંસલેશન પણ ઘટશે, હાલ ૧૦ ટકા કાપ મુકવા આદેશ અપાયો છે તેમ મંત્રીએ કહ્યું હતું. બીજી તરફ મંગળવારે મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં ફરી દાવો કર્યો હતો કે એરલાઇન્સ ગમે એટલી મોટી કેમ ના હોય નિયમોનું પાલન કરવું જ પડશે અને મુસાફરોને મુશ્કેલીમાં મુકવાની છૂટ તેને નહીં આપીએ. ધડાધડ અનેક ફ્લાઇટો કેંસલ કરવાનો સિલસિલો ગયા મંગળવારે શરૂ થયો હતો જે આ મંગળવારે પણ યથાવત રહ્યો, મંગળવારે ૯મી તારીખે ઇન્ડિગોએ ૪૨૨ ફ્લાઇટોને રદ કરી દીધી હતી. બે ડિસેમ્બરથી અત્યાર સુધી ઇન્ડિગો ચાર હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરી ચુકી છે. જેને કારણે હજારો મુસાફરોને ભારે મુશ્કેલીમાં મુક્યા હતા, અનેક એરપોર્ટે મુસાફરો સામાન સાથે આખી રાત અને દિવસ પસાર કરવા મજબૂર થયા હતા. ઠેરઠેર સામાન અને લોકો જ નજરે પડી રહ્યા હતા. લોકોએ ઇન્ડિગોના અધિકારીઓ અને કર્મચારીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ઇન્ડિગોનો દાવો છે કે દિવસે ને દિવસે સ્થિતિ સુધરી રહી છે, જેમ કે પાંચ તારીખે ૭૦૦, છ તારીખે ૧૫૦૦, સાત તારીખે ૧૬૫૦, આઠ તારીખે સોમવારે ૧૮૦૦ ફ્લાઇટ્સે ઉડાન ભરી હતી અને મંગળવારે પણ તેવી જ સ્થિતિ હતી.

