ઉત્તર પ્રદેશમાં દેશનાં સૌથી મોટા એઆઇ આધારિત ડેટા સેન્ટરની રચના કરવામાં આવશે. આ સંદર્ભમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં સંમેલનમાં બીજા દિવસે રાજ્ય સરકારનાં પ્રતિનિધિમંડળ અને એએમ ગ્રીન સમૂહની વચ્ચે ૨.૨૭ લાખ કરોડ રૃપિયાથી વધુના રોકાણ અંગે સમજૂતી (એમઓયુ) પર સહી કરવામાં આવી છે. કંપની ગ્રેટર નોઇડામાં કોમ્પ્યુટર ડેટા કેન્દ્રની રચના કરશે.

ઉત્તર પ્રદેશ સરકારનું એક પ્રતિનિધિ મંડળ નાણાકીય પ્રધાન સુરેશ ખન્નાનાં નેતૃત્ત્વમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં સંમેલનમાં ભાગ લેવા માટે દાવોસ ગયું છે. સંમેલનનાં બીજા દિવસે વિભિન્ન ક્ષેત્રોના રોકાણકારોની સાથે પ્રતિનિધિમંડળે આઠથી વધારે બેઠકો યોજી હતી.આ દરમિયાન ગ્રેટર નોઇડામાં એએમ ગ્રીન સમૂહની સાથે એક ગીગાવોટનું કોમ્પ્યુટર ડેટા કેન્દ્ર સ્થાપિત કરવા અંગે એમઓયુ કરવામાં આવ્યું છે. આ ડેટા કેન્દ્રમાંથી વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) વર્કલોડ્સની સેવાઓ આપવામાં આવશે.
એમઓયુ અનુસાર એએમ ગ્રીન સમૂહ તબક્કાવાર રીતે વર્ષ ૨૦૩૦ સુધી આ કેન્દ્રની રચના કરશે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વર્ષ ૨૦૨૮ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
આ ડેટા કેન્દ્રમાં પાંચ લાખ આધુનિક ઉચ્ચ ગુણવત્તાવાળા ચિપસેટ લગાવવામાં આવશે. જે હાઇ પરફોમન્સ કમ્પ્યુટિંગ (એચપીસી) અને એઆઇ આધારિત સેવાઓને ગતિ આપશે.
આ સુવિધા વૈશ્વિક હાયપરસ્કેલર્સ, ફ્રંટિયર લેબ, એન્ટરપ્રાઇઝેઝ અને એઆઇ પહેલને મોટા પાયે આગળ વધારવામાં સહાયક નીવડશે. આ ડેટા કેન્દ્ર ભારતીય ડેવલપર્સને પણ ચિપસેટ એક્સેસ પણ ઉપલબ્ધ કરાવશે.
કંપનીના અધ્યક્ષ મહેશ કોલ્લીએ જણાવ્યું હતું કે એક ગીગાવોટ કોમ્પ્યુટ ક્ષમતાને ગ્રીન ઉર્જાની સાથે જોડી અમે ડેટા કેન્દ્રની સાથે સરકારના સહયોગથી વૈશ્વિક એઆઇ ઇન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રમાં ભવિષ્ય માટે એક ટકાઉ મોડેલ તૈયાર કરીશું.
