દેશમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઊભા કરતી વધુ એક ચોંકાવનારી ઘટના ઉદયપુર બાદ જબલપુરની પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ કૃષિ યુનિવર્સિટીમાં સામે આવી છે. નોકરી અપાવવાની લાલચ આપી 22 વર્ષીય યુવતીને ફસાવી યુનિવર્સિટીના જ ક્લાર્ક અને પટાવાળાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સોશિયલ મીડિયાના બહાને જાળ બિછાવી
અહેવાલો અનુસાર, પીડિતાએ પોલીસ સમક્ષ જે હકીકત જણાવી છે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા યુવાનો માટે લાલબત્તી સમાન છે.20 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર કોન્ટ્રાક્ટ ભરતીની લિંક જોઈ યુવતીએ સંપર્ક કર્યો હતો. યુનિવર્સિટીના 58 વર્ષીય ક્લાર્ક દુર્ગાશંકર સિંગ્રહાએ પીડિતાને વિશ્વાસમાં લીધી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તે વાઈસ ચાન્સેલર સાથે સીધા સંપર્કમાં છે અને આસાનીથી નોકરી અપાવી દેશે.25મી ડિસેમ્બરના રોજ નાતાલની જાહેર રજા હોવાથી કેમ્પસમાં અવરજવર ઓછી હતી, જેનો આરોપીઓએ ફાયદો ઉઠાવ્યો હતો. ક્લાર્કે યુવતીને ‘ઇન્ટરવ્યુ’ માટે યુનિવર્સિટી કેમ્પસની કૃષિ નગર કોલોનીમાં બોલાવી હતી. ત્યાંથી ક્લાર્ક યુવતીને પટાવાળા મુકેશ સેનના ક્વાર્ટર પર લઈ ગયો હતો, જ્યાં બંનેએ મળીને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસની ત્વરિત કાર્યવાહી
ઘટનાના બીજા જ દિવસે પીડિતાએ હિંમત ભેગી કરી આદરતાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારી પ્રવીણ કુમારના નેતૃત્વમાં ટીમે દરોડા પાડી ક્લાર્ક દુર્ગાશંકર અને પટાવાળા મુકેશ સેનને તેમના ઘરેથી જ દબોચી લીધા હતા. બંને આરોપીઓ સામે સામૂહિક દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી, મેડિકલ તપાસ બાદ કોર્ટે તેમને જેલ હવાલે કર્યા છે.
આ ઘટના બાદ પોલીસ અને યુનિવર્સિટી વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર આવતી નોકરીની લિંક્સ પર આંધળો વિશ્વાસ ન કરવો. કોઈપણ સરકારી કે અર્ધ-સરકારી સંસ્થામાં ઇન્ટરવ્યુ હંમેશા સત્તાવાર ઓફિસમાં જ આપવો, કોઈના અંગત નિવાસસ્થાને જવાનું ટાળવું. ઓફિસ સમય સિવાય કે રજાના દિવસે એકલા ઇન્ટરવ્યુ માટે જવું જોખમી સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે, શિક્ષણના ધામમાં બનેલી આ ઘટનાએ કેમ્પસની સુરક્ષા અને કર્મચારીઓના ચારિત્ર્ય સામે ગંભીર સવાલો ઊભા કર્યાં છે.
