પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાને 100 દિવસ પૂરા થવા પર કોંગ્રેસે ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે, તેમને ઓછામાં ઓછો વિદાય સમારોહ મળવો જોઈએ. કોંગ્રેસે કહ્યું છે કે, ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી સંપૂર્ણ ચૂપ છે.

ધનખરને રાજીનામું આપવા મજબૂર કરાયા : જયરામ રમેશ
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) એક્સ પર લખ્યું છે કે, ‘21 જુલાઈની મોડી રાત્રે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું હતું, જે ચોંકાવનારી વાત છે. ભલે તેઓ દિવસ-રાત વડાપ્રધાનની પ્રશંસા કરતા હતા, છતાં તેમને રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. રોજ સમાચારની હેડલાઈન્સમાં રહેતા ધનખડ રાજીનામું આપ્યા બાદ 100 દિવસથી ચૂપ છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેન તરીકે વિપક્ષ માટે સારા મિત્ર ન હતા.’
પરંપરા મુજબ ધનખરને ફેરવેલ મળવી જોઈએ : કોંગ્રેસ
રમેશે કહ્યું કે, ‘પૂર્વ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે વિપક્ષના સારા મિત્ર નહોતા અને તેઓ સતત અને ખોટી રીતે વિપક્ષને ખીજવતા હતા. છતાં લોકતાંત્રિક પરંપરાઓને ધ્યાનમાં રાખીને, અગાઉના નેતાઓની જેમ ધનખડ એક ફેરવેલ કાર્યક્રમના હકદાર છે. વિપક્ષની માંગ છે કે, તેમને ફેરવેલ મળવી જોઈએ, પણ આવું થયું નથી.
’ધનખડે 21 જુલાઈએ આપ્યું હતું રાજીનામું
ધનખડના રાજીનામા બાદ, કોંગ્રેસે દાવો કર્યો હતો કે, ‘ધનખરે સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપ્યું ન હતું, પરંતુ તેમના રાજીનામા પાછળના કારણો જુદા છે. વિપક્ષી પાર્ટીએ સરકારને ધનખડના રાજીનામા પર સ્પષ્ટતા આપવા માટે પણ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ધનખડે 21 જુલાઈએ અચાનક સ્વાસ્થ્યના કારણો આપીને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું મોકલ્યું અને કહ્યું કે તેઓ તરત જ પદ છોડી રહ્યા છે.

