સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ બેઝ કેમ્પ માઇનસ ૪.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.

બીજી તરફ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનાં કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન ત્રણથી સાત ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું.
ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર સોમવારે અને મંગળવારે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાનાં અલગ અલગ વિસ્તારોમાં ઠંડીનું તીવ્ર મોજું જોવા મળી શકે છે.
દિલ્હીમાં લઘુતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે એક દિવસ પહેલા ૬.૮ ડિગ્રી સેલ્સિયસ હતું. આમ છતાં આજનું તાપમાન સામાન્યથી ૧.૬ ડિગ્રી સેલ્સિયસ નીચું હતું.હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવી છે. પંજાબમાં ૪.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ફરીદકોટ સૌથી ઠંડુ રહ્યું હતું. હરિયાણામાં નરનૌલ ૪.૬ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું.
રાજસ્થાનનાં સિકર જિલ્લાનું ફતેહપુર લઘુતમ ૩.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડુ રહ્યું હતું. ઝારખંડના આઠ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં સિઝનમાં પ્રથમ વખત ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. શ્રીનિકેતન ૯.૮ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આઠ થી ૧૨ ડિસેમ્બરની વચ્ચે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.

