મોડેલ અને અભિનેત્રી નેહા શર્મા ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ વનએક્સબેટથી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સંમક્ષ હાજર થઇ હતી તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ૩૮ વર્ષીય શર્માનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ નોંધવામાં આવ્યું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર શર્મા કેટલીક જાહેરાતોના માધ્યમથી સટ્ટાબાજી પ્લેટફોર્મ સાથે જોડાયેલ છે.
ફેડરલ તપાસ એજન્સીએ આ અગાઉ આ કેસમાં પૂર્વ ક્રિકેટરો શિખર ધવન અને સુરેશ રૈનાની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમની ૧૧.૧૪ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી.કુરાકાઓમાં રજિસ્ટર્ડ વનએક્સબેટે પોતાને પોર્ટલ દ્વારા સટ્ટાબાજી ઉદ્યોગમાં ૧૮ વર્ષનાં અનુભવની સાથે વિશ્વ સ્તરે માન્યતા પ્રાપ્ત સટ્ટાબાજી એપ ગણાવી હતી.
ઇડીએ જણાવ્યું હતું કે વનએક્સબેટ ભારતમાં મંજૂરી વગર કાર્ય કરી રહ્યું હતું. ભારતીય ગ્રાહકોને આકર્ષવા આ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા, ઓનલાઇન વીડિયો અને પ્રિન્ટ મીડિયામાં જાહેરાત આપતું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ભારતમાં વાસ્તવિક ધનવાળી ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવા માટે એક કાયદો લાવવામાં આવ્યો છે.
આ કેસમાં બે ક્રિકેટરોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવ્યા ઉપરાંત ઇડીએ ક્રિકેટરો યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા (વનએક્સબેટની ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર), મિમી ચક્રવતી (તૃણમુલનાં પૂર્વ સાંસદ) અને અંકુશ હાજરા (બંગાળી અભિનેતા)ની પૂછપરછ કરી હતી.
