મધ્ય પ્રદેશના છિંદવાડામાં ઝેરી કોલ્ડ્રિફ કફ સિરપથી બાળકોની મોતનો સિલસિલો સતત વધી રહ્યો છે. મોરડોગરી પરાસિયામાં ગુરુવારે એક વર્ષના ગર્વિક પવારના મોત સાથે કફસિરપ કાંડમાં બાળકોનો કુલ મૃત્યુઆંક ૨૩થી વધુ થયો છે ત્યારે હવે આ મુદ્દે વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ પણ ઝંપ લાવ્યું છે. હૂએ કેન્દ્ર સરકાર પાસે આ કફ સિરપની અન્ય દેશોમાં નિકાસ કરાઈ છે કે કેમ તે અંગે ખુલાસો માગ્યો હતો. સરકારે જણાવ્યું કે, કોલ્ડ્રિફ સહિત ત્રણ કફ સિરપને મેડિકલ સ્ટોર્સમાંથી પાછી ખેંચી લેવાઈ છે તેમજ તેના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ સરકારે સમગ્ર દેશમાં કફ સિરપની ઉત્પાદક કંપનીઓ સામે તપાસ શરૂ કરી છે.

મધ્ય પ્રદેશમાં ઝેરી કફ સિરપના સેવનથી કથિત રીતે કિડનીમાં ચેપ થવાથી વધુ બે બાળકોનાં મોત થયા હતા, જેના પગલે કથિત રીતે કફ સિરપના કારણે મોતને ભેટનારા બાળકોની કુલ સંખ્યા ૨૨ થઈ ગઈ છે. આ સિવાય બૈતૂલમાં બે અને પાંઢુર્નામાં પણ એક બાળકનું મોત થયું છે.
આ મામલે હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ ભારત સરકાર પાસેથી આ કફ સિરપની દેશ બહાર નિકાસ કરાઈ હતી કે કેમ તેની વિગતો માગી હતી. હૂએ ભારતીય અધિકારીઓ પાસેથી માહિતી મેળવ્યા પછી આ કફ સિરપ અંગે વૈશ્વિક ચિકિત્સા ઉત્પાદન એલર્ટ જાહેર કરવા અંગે નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગ્ઠન (સીડીએસસીઓ)એ હૂને જણાવ્યું હતું કે, સરકારે ત્રણ કફ સિરપ કોલ્ડ્રિફ, રિલાઈફ અને રેસ્પિફ્રેશટીઆરને મેડિકલ સ્ટોર્સમાંથી પાછી મંગાવી લીધી છે અને તેના ઉત્પાદકોને તેનું ઉત્પાદન અટકાવી દેવા આદેશ આપી દેવાયો છે. વધુમાં સીડીએસસીઓએ હૂને જણાવ્યું હતું કે, આ ત્રણમાંથી એક પણ કફ સિરપની અન્ય દેશોમાં નિકાસ કરાઈ નથી.
આ સાથે સીડીએસસીઓએ સમગ્ર દેશમાં કફ સિરપ ઉત્પાદકોનું પરીક્ષણ, નિરીક્ષણ અને ઓડિટ કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. સાથે જ બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કફ સિરપનું ઉત્પાદન કરતી કંપનીઓનું વ્યાપક સ્તર પર ઓડિટ કરવા નિર્દેશો અપાયા છે. જોકે, કોઈપણ રાજ્યે અત્યાર સુધીમાં દવાઓના ઉત્પાદનોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ધોરણો જાળવવા માટેના કરેક્ટિવ એન્ડ પ્રીવેન્ટેટિવ એક્શન (સીએપીએ)ની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કર્યું નથી તેમ સીડીએસસીઓના અધિકારીઓએ કહ્યું હતું.
દરમિયાન કફ સિરપકાંડમાં એસઆઈટીએ ઝેરી કફ સિરપ બનાવતી તમિલનાડુ સ્થિત શ્રીસન ફાર્માના માલિક ગોવિંદન રંગનાથનની ચેન્નઈથી ધરપકડ કરી લેવાઈ છે. એસઆઈટીએ કંપનીની કાંચીપુરમની ફેક્ટરીમાંથી ઉત્પાદન રેકોર્ડ, દવાઓના સેમ્પલ અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. છિંદવાડાના એસપી અજય પાંડેએ કહ્યું કે, રંગનાથનને ચેન્નઈની સૈદાપેટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો છે. ત્યાંથી તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ માગી તેને ટૂંકસમયમાં છિંદવાડા લવાશે. તપાસ ટીમે રંગનાથનનું ચેન્નઈ-બેંગ્લુરુ હાઈવે પર સ્તિત ૨,૦૦૦ વર્ગ ફૂટનું એપાર્ટમેન્ટ સીલ કરી દીધું છે.
બીજીબાજુ તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે ગુરુવારે જણાવ્યું કે, કોલ્ડ્રિફ કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માસ્યુટિકલનું લાઈસન્સ સ્થાયીરૂપે રદ કરી દેવાશે. કફ સિરપથી મોતની ઘટનાઓ સામે આવ્યા પછી હાલ કંપનીનું લાઈસન્સ કામચલાઉ ધોરણે રદ કરાયું છે. હાલ તમિલનાડુ, કેરળ, મધ્ય પ્રદેશ, ગુજરાત, પંજાબ, અરૂણાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડ્રિફના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

