કરુરમાં અભિનેતા-રાજકારણી વિજય થલપતિની રેલી દરમિયાન ભાગદોડ થવાને કારણે 40થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ વિજયની પાર્ટી તમિળાગા વેટ્રી કઝગમ (TVK) દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. TVKનું માનવું છે કે માત્ર તમિલનાડુ પોલીસની SIT દ્વારા કરાતી તપાસ જનતાનો વિશ્વાસ જીતી શકશે નહીં.

TVKના આરોપો બાદ સુપ્રીમ કોર્ટે CBI તપાસનો આદેશ આપ્યો
અભિનેતા-રાજકારણી વિજયની તમિલનાડુના કરુરમાં યોજાયેલી રેલીમાં થયેલી ભાગદોડના કેસમાં, તેમની પાર્ટી ‘તમિલગ વેત્રી કઝગમ (TVK)’એ સુપ્રીમ કોર્ટમાં સ્વતંત્ર તપાસ માટે અરજી દાખલ કરી હતી. આ અરજી પર ચુકાદો આપતા, સુપ્રીમ કોર્ટે મામલાની સીબીઆઈ (CBI) તપાસનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, TVKની માંગ હતી કે ભાગદોડની તપાસ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ થવી જોઈએ, કારણ કે તેમનું માનવું હતું કે માત્ર તમિલનાડુ પોલીસ દ્વારા રચાયેલી ખાસ તપાસ દળ (SIT) જનતાનો વિશ્વાસ જાળવી શકશે નહીં. આ ઉપરાંત, પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ભાગદોડ પૂર્વ-આયોજિત કાવતરાનો ભાગ હોઈ શકે છે.
પૂર્વ ન્યાયાધીશ અજય રસ્તોગી કરશે દેખરેખ
TVKની માંગ પર સુપ્રીમ કોર્ટે પૂર્વ ન્યાયાધીશ અજય રસ્તોગીને કરૂર ભાગદોડ કેસમાં સીબીઆઈ તપાસની દેખરેખ કરનારી સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. TVKના સચિવ આધવ અર્જુનાએ આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ પહેલા મદ્રાસ હાઈ કોર્ટે SITની રચના કરી હતી, જેને TVKએ પડકારી હતી.
TVKના ઘણા સભ્યો સામે FIR
ભાગદોડ પછી તરત જ વિવાદ અને આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા હતા. કરૂર પોલીસે FIR દાખલ કરીને TVKના કરૂર (ઉત્તર) જિલ્લા સચિવ માધિયાઝગન, જનરલ સેક્રેટરી બસી આનંદ અને સંયુક્ત જનરલ સેક્રેટરી સીટીઆર નિર્મલ કુમાર વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ અને અન્યનો જીવ જોખમમાં મૂકવા જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે ભાગદોડમાં કોઈ ગુપ્તચર ચૂક નહોતી. રેલીમાં વિજય મોડા પહોંચ્યા અને લોકો ઘણા કલાકોથી રાહ જોઈ રહ્યા હતા.
કેવી રીતે બેકાબૂ થઈ ભીડ?
પોલીસ અધિકારીઓએ આયોજકોને કહ્યું હતું કે, વિજયની વિશેષ રેલી બસને નિર્ધારિત સ્થાનથી ઓછામાં ઓછા 50 મીટર પહેલા રોકી દે. પરંતુ આયોજકોએ નક્કી કરેલી જગ્યા પર જ બસ ઊભી કરી. પોલીસ અનુસાર, ’10 મિનિટ સુધી નેતા બસમાંથી બહાર ન આવ્યા, જેનાથી ભીડ અસંતુષ્ટ થઈ ગઈ. લોકો તેમને જોવા માટે બેતાબ બન્યા હતા.’
TVK પર શરતોનું પાલન ન કરવાનો આરોપ
આ રેલી માટે TVKએ 10,000 લોકો માટે પરવાનગી માંગી હતી, પરંતુ રેલીમાં લગભગ 25,000 લોકો એકઠા થઈ ગયા. પોલીસે કહ્યું કે પાર્ટીએ પૂરતું પાણી, સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ ન કરી અને પરવાનગીની શરતોનું પાલન ન કર્યું.

