કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારમાં પ્રધાન જમીર અહેમદના અંગત સચિવ સરફરાજ ખાનના ઘર અને ઓફિસ પર લોકાયુક્તે એક સાથે દરોડા પાડયા હતાં. રિપોર્ટ અનુસાર આ દરોડામાં લોકાયુક્તની ટીમે ૧૪ કરોડ જપ્ત કર્યા છે.

આ દરોડા બેંગાલુરુની લોકાયુક્ત પોલીસ સ્ટેશનમાં આવકથી વધુ સંપત્તિનો એક કેસ દાખલ થયા પછી પાડવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે જમીર અહેમદને મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાના નજીકના સહયોગી માનવામાં આવે છે.
આ સમગ્ર કેસ સાથે સંકળાયેલ એક લોકાયુક્ત અધિકારીએ જણાવ્યું હતું કે આજ બેંગાલુરુમાં સહકારી વિભાગ નિર્દેશાલયના રહેઠાણ વિભાગમાં પ્રતિનિયુક્તિ પર તૈનાત સરદાર સરફરાજ ખાન સાથે સંકળાયેલા પરિસરોમાં તપાસ કરવામાં આવી હતી.રિપોર્ટ અનુસાર સરફરાજના ઘર અને અન્ય સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં સ્થિર અને ચાલુ બંને પ્રકારની સંપત્તિની માહિતી સામે આવી છે. સ્થિર મિલકતોમાં ચાર રેસિડેન્સિયલ મકાનોના દસ્તાવેજ અને ૩૭ એકર ખેતીની જમીન સામેલ છે.
જેની અંદાજિત કીંમત લગભગ ૮.૪૪ કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. આ ઉપરાંત દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ચાલુ મિલકતો પણ મળી આવી છે. જેમાં ૩ કરોડ સોનાના ઘરેણા અને જ્વેલરી સામેલ છે. આ ઉપરાંત રોકડ અને મોંઘા વાહન પણ સામેલ છે. આ ઉપરાંત કરોડો રૂપિયા બેંક ખાતાઓમાં જમા હોવાના પુરાવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં સરફરાજ કર્ણાટક સરકારમાં પ્રધાન જમીર અહેમદના અંગત સચિવ તરીકે કાર્ય કરે છે. જો કે આ પહેલા તે બૃહદ બેંગાલુરુ મહાનગરપાલિકા (બીબીએમપી)માં સંયુક્ત કમિશનર હતાં.

