NATIONAL : કર્ણાટકમાં વોટ ચોરી કાંડ અંગે તપાસમાં SITનો ખુલાસો, 6000 જેટલા મતદારોનો અતોપતો નહીં

0
58
meetarticle

કર્ણાટક પોલીસની SITએ 2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આલંદ મતવિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ હટાવવાના કૌભાંડમાં મહત્ત્વના પુરાવા મેળવ્યા છે. તપાસમાં બહાર આવ્યું કે હજારો મતદારોના નામ હટાવવાનું ષડયંત્ર રચાયું હતું. SITએ છ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી છે અને 6,000થી વધુ મતો ખોટી રીતે હટાવ્યા હોવાના પુરાવા એકત્ર કર્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કામ આલંદના એક સાયબર સેન્ટરમાં થયું હતું, જ્યાં ઓપરેટરોને દરેક અરજી માટે ₹80 ચૂકવવામાં આવતા હતા. SIT સૂત્રો અનુસાર, આ ‘વોટર ડિલીશન ઓપરેશન’ માટે લગભગ ₹4.8 લાખ ચૂકવાયા હતા.

નકલી ડિલીટ અરજીઓ માટે VoIPનો ઉપયોગ

તપાસ હવે એ વાત પર કેન્દ્રિત છે કે સાયબર સેન્ટરને ચૂંટણી પંચના પોર્ટલ સુધી કેવી રીતે પહોંચ મળી અને નકલી ડિલીટ અરજીઓ કેવી રીતે જમા થઈ. શરૂઆતમાં CID સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા તપાસ કરાયા બાદ, હવે SIT એ આ મામલો સંભાળ્યો છે.CID સૂત્રો અનુસાર, ડિસેમ્બર 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે VoIP (Voice Over Internet Protocol) દ્વારા આ ડિલીશન રિક્વેસ્ટ મોકલાઈ હતી. કુલ 6994 મત હટાવવા અરજી કરાઈ હતી, જેમાંથી મોટાભાગની નકલી હતી અને ખાસ કરીને દલિત તથા લઘુમતી મતદારોને નિશાન બનાવાયા હતા.

આ ગેરરીતિઓનો ખુલાસો થયા પછી મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ તરત જ સ્ટેટસ ક્વો (યથાસ્થિતિ જાળવી રાખવા)નો આદેશ આપ્યો અને તમામ ડિલીશન (નામ હટાવવાની પ્રક્રિયા) રોકી દેવામાં આવ્યા.

મુખ્ય આરોપીને શોધવા માટે બ્લૂ કોર્નર નોટિસ જાહેર

તપાસમાં ગેરરીતિ આચરનાર સ્થાનિક નિવાસી મોહમ્મદ અશફાક સુધી પહોંચી, જેને ફેબ્રુઆરી 2023માં પૂછપરછ બાદ છોડી દેવાયો હતો. હાલ તે દુબઈમાં રહે છે અને તેને શોધવા માટે બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

કોંગ્રેસ નેતાઓએ સૌપ્રથમ આ મુદ્દો ઉઠાવ્યો હતોઆલંદ (કલબુર્ગી જિલ્લા) કોંગ્રેસના ધારાસભ્ય બી.આર. પાટીલનો મતવિસ્તાર છે. તેમણે અને મંત્રી પ્રિયંક ખડગેએ સૌપ્રથમ મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી.

કોંગ્રેસ સરકારે ADGP બી.કે. સિંહના નેતૃત્વમાં SITની રચના કરી. રાહુલ ગાંધીએ પણ ‘વોટ ચોરી’ના આરોપો ઉઠાવતા આ મામલો રાજકીય બન્યો. આ વિસ્તાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો ગઢ ગણાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here