કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની ODI મેચ દરમિયાન ચાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બીમાર પડ્યા હતા. તે બધાને પેટમાં ઈન્ફેક્શન લાગ્યો હતો અને ફાસ્ટ બોલર હેનરી થોર્ન્ટનને ગંભીર હાલતમાં રિજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બાકીના ત્રણ ખેલાડીઓને મેડિકલ તપાસ બાદ રજા આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ખેલાડીઓ હોટલનું ભોજન ખાધા પછી બીમાર પડ્યા હતા, જોકે હોસ્પિટલ કે ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ દ્વારા આ આરોપોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજરના જણાવ્યા અનુસાર, ચાર ખેલાડીઓને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્રણ ખેલાડીઓના રિપોર્ટ સામાન્ય આવતા તેમને રજા આપવામાં આવી હતી, પરંતુ હેનરી થોર્ન્ટનમાં ગંભીર ચેપના લક્ષણો દેખાયા હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.તેમની સ્થિતિમાં સુધારો થયા પછી તેમને પણ રજા આપવામાં આવી હતી. આ ઘટના બાદ, ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમના ડાયેટ ચાર્ટમાં ફેરફાર કર્યા છે. જ્યારે આનાથી ટીમની આગામી તૈયારીઓ પર અસર પડી છે, ત્યારે મેનેજમેન્ટે જણાવ્યું છે કે ખેલાડીઓનું સ્વાસ્થ્ય તેમની ટોચની પ્રાથમિકતા છે.

