NATIONAL : કાલે તાજમહલ અને લાલ કિલ્લો પણ વક્ફ સંપત્તિ જાહેર કરી દેશે : હાઈકોર્ટ

0
60
meetarticle

કેરળ હાઈકોર્ટે મુનંબમ વક્ફ ભૂમિ વિવાદ પર આકરી ટીપ્પણી કરતા રાજ્ય વક્ફ બોર્ડની ઝાટકણી કાઢી છે. કેરળ હાઈકોર્ટે ચેતવણી આપી કે કોઈપણ સંપત્તિને યોગ્ય પ્રક્રિયા વિના વક્ફ જાહેર કરવાની મંજૂરી અપાય તો તાજમહલ, લાલ કિલ્લો, વિધાનસભા ભવન અથવા હાઈકોર્ટની ઈમારતને પણ વક્ફ સંપત્તિ જાહેર કરી દેવામાં આવે. આ સાથે હાઈકોર્ટે મુનંબમ જમીનને વક્ફ જાહેર કરવાના કેરળ વક્ફ બોર્ડના નિર્ણય પર સવાલ ઉઠાવતા તેને જમીન પચાવી પાડવાનું કાવતરું ગણાવ્યું હતું.કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી અને ન્યાયાધીશો શ્યામ કુમાર વીએમની બેન્ચે સ્ટેટ ઓફ કેરળ વિરુદ્ધ કેરળ વક્ફ સંરક્ષણ વેધી કેસમાં ચૂકાદો સંભળાવતા વિવાદાસ્પદ જમીનની માલિકીની ભાળ મેળવવા માટે તપાસ પંચ નિમવાના સરકારી આદેશને જાળવી રાખ્યો હતો. બેન્ચે કહ્યું કે, અનિવાર્ય પ્રક્રિયા અને વક્ફ કાયદા ૧૯૫૪ તથા ૧૯૫૫ની જોગવાઈઓના પાલનના અભાવમાં સંબંધિત સંપત્તિને ક્યારેય પણ વક્ફ સંપત્તિ તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં.

બેન્ચે કહ્યું કે, વિવાદાસ્પદ જમીન વક્ફ તરીકે નોટિફાઈ કરવી એ વક્ફ કાયદા ૧૯૫૪ અને ૧૯૯૫ની જોગવાઈઓની વિરુદ્ધ છે તથા કેરળ વક્ફ બોર્ડનું આ પગલું જમીન પચાવી પાડવાના કાવતરાં સમાન છે. બેન્ચે કહ્યું કે, આ પગલાથી એવા સેંકડો પરિવારો અને વાસ્તવિક રહેવાસીઓની આજીવિકા પર અસર થઈ છે, જેમણે વક્ફ સંપત્તિ નોટિફાઈ થયાના દાયકાઓ પહેલા જમીન ખરીદી હતી.

કેરળ હાઈકોર્ટે કહ્યું કે, ન્યાયતંત્ર આવી મરજીમુજબની વક્ફ જાહેરાતોને કાયદેસર માન્યતા આપે તો કાલે કોઈપણ ઈમારતો પછી તે તાજમહલ, લાલ કિલ્લો, વિધાનભવન અથવા સ્વયં આ અદાલત કેમ ના હોય તેને વક્ફ જાહેર કરી દેવાશે. આ પ્રવૃત્તિ બંધારણની કલમ ૩૦૦-એ હેઠળ નાગરિકોના સંપત્તિના અધિકાર, કલમ ૧૯ હેઠળ વેપારની સ્વતંત્રતા અને કલમ ૨૧ હેઠળ જીવન અને આજીવિકાના અધિકાર માટે જોખમી છે. બેન્ચે કહ્યું કે, બંધારણીય જવાબદારીઓ હેઠળ કોઈપણ કોર્ટ આવી કાલ્પનિક અને વિલંબિત શક્તિઓના પ્રયોગને મંજૂરી આપી શકે નહીં.

મુનંબમની આ જમીન ૧૯૫૦માં સિદ્દીક સૈદ નામની વ્યક્તિએ ફારુક કોલેજને દાનમાં આપી હતી. તે સમયે જમીનનું કુલ ક્ષેત્રફળ ૪૦૪.૭૬ એકર હતું, જે સમુદ્રી કાપના કારણે ઘટીને ૧૩૫.૧૧ એકર રહી ગયું છે. આ જમીન પર પહેલાથી જ અનેક લોકો રહેતા હતા અને કોલેજ મેનેજમેન્ટે આ જમીન આ રહેવાસીઓને વેચી દીધી હતી. આ વેચાણ દસ્તાવેજોમાં ક્યાંય પણ જમીન વક્ફ હોવાનો ઉલ્લેખ નહોતો, પરંતુ લગભગ ૬૯ વર્ષ પછી ૨૦૧૯માં કેરળ વક્ફ બોર્ડે અચાનક આ જમીનને વક્ફ સંપત્તિ જાહેર કરી દીધી અને જૂના વેચાણ સોદાને ગેરકાયદે ગણાવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here