દિલ્હીમાં વિસ્ફોટની ઘટના હજુ તાજી જ છે ત્યાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલા નૌગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે મોડી રાતે ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં પોલીસ કર્મચારી સહિત નવ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૩૨ ઘાયલ થયા છે. દિલ્હી વિસ્ફોટની જેમ જ નૌગામમાં થયેલો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે પોલીસ સ્ટેશનની આજુબાજુ અનેક ઈમારતોને નુકસાન થયું હતું તથા વાહનો સળગી ગયા હતા. વિસ્ફોટનો અવાજ ૧૫ કિ.મી. દૂર સુધી સંભળાયો હતો, જેને પગલે આ આતંકી હુમલો હોવાની અટકળો થવા લાગી હતી. જોકે, પોલીસે શનિવારે સવારે સ્પષ્ટ કર્યું કે, આ એમોનિયમ નાઈટ્રેટથી અકસ્માતે થયેલો વિસ્ફોટ હતો.

શ્રીનગરના નૌગામ પોલીસ મથકમાં માર્યા ગયેલા પોલીસ જવાનોના મૃતદેહને શ્રીનગર સ્થિત પોલીસ નિયંત્રણ રૂમમાં લઈ જવાયા હતા. ૨૪થી વધુ પોલીસ કર્મચારી અને ત્રણ નાગરિક સહિત ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સુરક્ષા અધિકારીઓએ શનિવારે તકેદારીના ભાગરૂપે પ્રોટોકોલ લાગુ કરી પોલીસ સ્ટેશન વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
શ્રીનગરના નૌગામ પોલીસ મથકમાં થયેલા વિસ્ફોટ અંગે શનિવારે ડીજીપી નલિન પ્રભાત અને ગૃહ બાબતોના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ શ્રીનગર અને નવી દિલ્હી ખાતે એક સમાન નિવેદન વાંચી સંભળાવ્યું હતું. તેમણે આ વિસ્ફોટ આતંકી હુમલો હોવાનો ઈનકાર કર્યો હતો. બંને અધિકારીઓએ પત્રકારોના કોઈ પ્રશ્નોના જવાબ આપ્યા નહોતા. તેમણે જણાવ્યું કે, આ વિસ્ફોટ અકસ્માતે થયો હતો. વ્હાઈટ કોલર ટેરર આતંકી મોડયુલના કેસમાં હરિયાણાના ફરિદાબાદમાંથી જપ્ત કરવામાં આવેલા એમોનિયમ નાઈટ્રેટ સહિતની વિસ્ફોટક સામગ્રીઓને નૌગામ પોલીસ મથકના પરિસરમાં ખુલ્લામાં રખાઈ હતી.
તેમણે ઉમેર્યું કે, પોલીસ કર્મચારીઓ આ વિસ્ફોટક સામગ્રીના સેમ્પલ લઈ રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં ફોરેન્સિક સાયન્સ પ્રયોગશાળાના ત્રણ લોકો, એક નાયબ જિલ્લા મહેસૂલ અધિકારી સહિત મહેસૂલ વિભાગના બે લોકો, બે પોલીસ ફોટોગ્રાફર, રાજ્ય તપાસ એજન્સીનો એક કર્મચારી અને એક દરજીનો સમાવેશ થાય છે. એમોનિયમ નાઈટ્રેટ સહિતના રસાયણોની અસ્થિર પ્રકૃતિના કારણે વિસ્ફોટ થયો હતો. આ સામગ્રી ધરપકડ કરાયેલા ડો. મુઝમ્મિલ ગનઈના ભાડાંના મકાનમાંથી જપ્ત કરાયેલા ૩૬૦ કિલો વિસ્ફોટકનો ભાગ હતી.
નૌગામ પોલીસ સ્ટેશનના પરિસરમાં થયેલા વિસ્ફોટ પછી ઘટના સ્થળે પહોંચેલા તારિક અહેમદે કહ્યું કે, અમે જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો. આ વિસ્ફોટ રાતે ૧૧.૨૨ કલાકે થયો હતો. અમે ગભરાઈ ગયા. અમે લોકોને બહાર આવતા અને રોતા જોયા, ત્યારે ખ્યાલ આવ્યો કે પોલીસ સ્ટેશનમાં કંઈક થયું છે. અમે ત્યાં પહોંચ્યા તો જોયું ત્યાં ધૂમાડો જ ધૂમાડો હતો, લાશો પડી હતી, કપાયેલા હાથ, માથા પડયા હતા. અન્ય એક સ્થાનિક નાગરિકે કહ્યું કે, તેનું ઘર નૌગામ પોલીસ સ્ટેશનથી લગભગ ૧૫ કિ.મી. દૂર છે. વિસ્ફોટનો અવાજ છેક તેના ઘર સુધી સંભળાયો હતો. અવાજની સાથે આગની ઊંચી જ્વાળા અને ધૂમાડા જોવા મળ્યા હતા.
ડીજીપી નલીને કહ્યું કે, ઓક્ટોબરના મધ્યમમાં નૌગામના બનપોરામાં દિવાલો પર પોલીસ અને સુરક્ષા દળોને ધમકી આપતા પોસ્ટરો લગાવાયા હતા, જેની તપાસમાં જમ્મુ-કાશ્મીર પોલીસ સોમવારે ફરિદાબાદ પહોંચી હતી અને એમોનિયમ નાઈટ્રેટ સહિત ૨૯૦૦ કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. આ કેસની એફઆઈઆર નૌગામ પોલીસ મથકમાં જ લખાયેલી હોવાથી ફરિદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકોને અહીં લાવવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીર સરકારે શનિવારે નૌગામ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા પ્રત્યેકના પરિવારજનોને રૂ. ૧૦ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૧ લાખની સહાય કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક્સ પર પોસ્ટમાં કહ્યું કે, મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી આ સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના નિર્દેશો પર સ્વાસ્થ્ય મંત્રી સકિના ઈતૂએ પીડિતોના પરિવારજનોની તેમના ઘર પર અને ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી.

