કોઈ કીડીઓના ડરથી આત્મહત્યા કરી લે એ વાત કદાચ તમારા માન્યામાં નહીં આવતી હોય, પણ આવો જ એક કિસ્સો તેલંગાણામાં બન્યો છે. તેલંગાણામાં એક મહિલાએ કીડીઓના ડરના કારણે આત્મહત્યા કરી લીધી છે. આ મહિલાએ સ્યુસાઈડ નોટમાં પોતાના ડરનો ઉલ્લેખ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલા માનસિક રીતે બીમાર હતી. તેને માયર્મેટોફોબિયા હતો.
તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાની એક 35 વર્ષીય મહિલાને કીડીઓથી ડર લાગતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલાના લગ્ન 2022માં થયા હતા. તેને ત્રણ વર્ષની પુત્રી પણ છે. તેણે કીડીઓના ડરના કારણે આત્મહત્યા કરી લીધી હતી. આ મહિલાએ પોતાના ઘરના પંખે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ પહેલા તે તેની દીકરીને ઘરમાં સફાઈ કરવાના બહાને સંબંધીને ત્યાં મૂકીને આવી હતી. તેનો પતિ જ્યારે સાંજે કામ પરથી ઘરે આવ્યો ત્યારે ઘર અંદરથી બંધ હતું. પડોશીની મદદથી તે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યો હતો. જ્યાં તેણે તેની પત્નીને પંખે લટકતી જોઈ હતી.

પોલીસને મહિતી મળતા ઘટનાસ્થળે પહોંચીને મહિલાના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. પોલીસને ઘરમાંથી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે, શ્રી મને માફ કરજો, હું આ કીડીઓ સાથે જીવી શકતી નથી. આપણી પુત્રીનું ધ્યાન રાખજો. અન્નવરમ તિરૂપતિ મંદિરમાં 1116 રૂપિયા અને યેલમ્મા વાડી બિયમ મંદિરમાં ચોખા ચડાવવાનું ન ભૂલતા. પોલીસના જણાવ્યા અનુસાર, સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરેલા મંદિરોના નામ ધાર્મિક માનતા સાથે જોડાયેલા હોવાના સંકેત છે. મહિલાને નાનપણથી જ કીડીઓથી ડર લાગતો હતો. આ માટે તે મનચેરિયલ જિલ્લાની એક હોસ્પિટલમાં કાઉન્સેલિંગ પણ લીધી હતી.
તેલંગાણા સરકારની ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થના સુપ્રિડેન્ડેન્ટ ડૉ. અનીતા રાયરાલાએ જણાવ્યું કે, માયર્મેટોફોબિયા એટલે કે કીડીઓનો ડર એ અતિ દુર્લભ માનસિક સ્થિતિ છે. મે મારા આખા કરિયર દરમિયાન આવો કેસ જોયો નથી. આ ફોબિયા નાનપણમાં શરૂ થાય છે. જો પરિવાર સમય રહેતા તેની ઓળખ કરી લે તો તેનો ઈલાજ શક્ય છે. આ સ્થિતિમાં દર્દીનો ઈલાજ એક્સપોઝર થેરેપી, કોગ્નિટિવ બિહેવિયર થેરેપી અને એન્ટી એંગ્જાયટી મેડિસીન દ્વારા કરી શકાય છે.
ડૉ. અનીતા રાયરાલાએ વધુમાં જણાવ્યું હતું કે, માયર્મેટોફોબિયાના કારણે આત્મહત્યા કરવી એવું ઘણી ઓછીવાર બને છે. આ મહિલા ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હશે. તેમણે લોકોને તણાવ અને સ્ટ્રેસ જેવુ જણાય તો મનોચિકિત્સકની સલાહ લેવાની લોકોને અપીલ કરી છે.

