સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અભય એસ. ઓકાએ ભારતમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ અને ધાર્મિક પ્રથાઓમાં સુધારાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. જસ્ટિસ ઓકાએ સ્પષ્ટ કહ્યું કે, દેશમાં અંધશ્રદ્ધાઓ સામે લડવા માટે વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવાની ખાસ જરૂર છે, પરંતુ જે વ્યક્તિ ધાર્મિક સુધારાનો પ્રસ્તાવ મૂકે છે, તેને ધાર્મિક સમૂહો દ્વારા નિશાન બનાવવામાં આવે છે.

જસ્ટિસ ઓકા નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે તારકુંડે મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 16મા વી.એમ. તારકુંડે સ્મૃતિ વ્યાખ્યાનમાં સંબોધન કરી રહ્યા હતા.
બંધારણનું કર્તવ્ય અને અંધશ્રદ્ધા
જસ્ટિસ ઓકાએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવી એ બંધારણના અનુચ્છેદ 51A(h) હેઠળનું મૂળભૂત કર્તવ્ય છે અને આ કર્તવ્યનું પાલન કરવાથી ધાર્મિક સ્વતંત્રતા નબળી પડતી નથી. તેમણે કહ્યું, ‘જ્યારે તમે ધર્મ અથવા ધાર્મિક પ્રથાઓમાં રહેલી અંધશ્રદ્ધાઓ સામે લડો છો, ત્યારે તમે ધર્મની વિરુદ્ધ નથી લડતા. તમે ખરેખર ધર્મના ઉદ્દેશ્યમાં મદદ કરો છો.’તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘અંધશ્રદ્ધા માત્ર કોઈ એક ધર્મ સુધી સીમિત નથી, પરંતુ તે તમામ ધર્મમાં હાજર છે અને તેને ધાર્મિક ભક્તિ સમજવાની ભૂલ ન કરવી જોઈએ.
રાજકીય વર્ગ અને શાસનની નિષ્ફળતા
ન્યાયમૂર્તિ ઓકાએ રાજકીય વ્યવસ્થા પર આકરા પ્રહાર કરતા કહ્યું, ‘પક્ષોની પરવા કર્યા વિના, જે રાજકીય વર્ગ આપણા પર શાસન કરે છે, તે તમામ ધર્મને ખુશ કરવામાં માને છે. તેથી, આ વર્ગ સુધારાઓને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણપણે અનિચ્છુક છે. તર્કસંગત અવાજોને વારંવાર દબાવી દેવામાં આવે છે, કારણ કે તેમને ખોટી રીતે ધર્મ-વિરોધી તરીકે ચિત્રિત કરવામાં આવે છે. તેમના મતે, વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળતા એ શાસનની નિષ્ફળતા દર્શાવે છે.
‘પર્યાવરણ અને પવિત્રતાનો સવાલ
જસ્ટિસ ઓકાએ જણાવ્યું કે, કેવી રીતે અંધશ્રદ્ધા સમાજ, પર્યાવરણ અને નાગરિકોના મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે ધાર્મિક ઉત્સવો દરમિયાન થતા પર્યાવરણીય નુકસાનનો ઉલ્લેખ કર્યો, જેમાં જળ પ્રદૂષણ અને લાઉડસ્પીકરોનો બેફામ ઉપયોગ સામેલ છે.કુંભ મેળાનો ઉલ્લેખ કરતા તેમણે પ્રશ્ન પૂછ્યો કે શું પ્રદૂષિત થયા પછી પણ નદીઓને ‘પવિત્ર’ કહી શકાય? વધુમાં, તેમણે નાસિકમાં આગામી કુંભ મેળા માટે સેંકડો દાયકા જૂના વૃક્ષોને કાપવાની તાજેતરની ઘટના પર પ્રકાશ પાડ્યો અને ચેતવણી આપી કે ધર્મના નામે કરવામાં આવેલી કાર્યવાહી બંધારણીય અધિકારો અથવા પર્યાવરણીય કર્તવ્યોને ઓવરરાઈડ કરી શકે નહીં.
ડૉ. નરેન્દ્ર દાભોલકરનું સ્મરણ
પોતાના વ્યાખ્યાનના અંતે જસ્ટિસ ઓકાએ દિવંગત તર્કવાદી ડૉ. નરેન્દ્ર દાભોલકરના કાર્યને યાદ કર્યું. તેમણે કહ્યું કે, ‘ડૉ. દાભોલકરે પ્રયોગો દ્વારા બતાવ્યું હતું કે અંધશ્રદ્ધાઓનો કોઈ આધાર નથી, પરંતુ વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન આપવા બદલ તેમને નિશાન બનાવવામાં આવ્યા. જસ્ટિસ ઓકાએ દુઃખ વ્યક્ત કર્યો કે ડૉ. દાભોલકરનું જીવન આ કારણે જ સમાપ્ત થયું, કારણ કે તેમણે નાગરિકોને વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવાની પ્રેરણા આપીને સંવિધાન હેઠળના તેમના મૂળભૂત કર્તવ્યનું પાલન કર્યું.
