રખડતાં કૂતરાઓની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સ તથા તંત્રની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, કૂતરાઓમાં ખાસ પ્રકારનો વાઈરસ હોય છે જેનું કોઈ નિદાન નથી. કૂતરા 9 વર્ષના બાળક પર હુમલો કરે તો જવાબદાર કોણ? સરકાર કશું નથી કરી રહી. કૂતરાઓ જેટલી વખત કરડશે અથવા તેનાથી કોઈનું મોત થશે તો અમે સરકારને વળતર આપવાનો આદેશ આપીશું.

કૂતરાઓને ખોરાક આપવો હોય તો ઘરે લઈ જાઓ: સુપ્રીમ કોર્ટ
કોર્ટે કહ્યું કે, આ કૂતરાઓમાં એક ખાસ પ્રકારનો વાઈરસ હોય છે, જેની કોઇ સારવાર જ નથી. રણથંભૌર નેશનલ પાર્કમાં કૂતરાઓ દ્વારા બચકા ભરી લેવાતા વાઘ પણ ગંભીર બીમારીથી પીડાતા હતા. કોર્ટે કહ્યું કે, જ્યારે કૂતરા 9 વર્ષના બાળક પર હુમલો કરે છે તો તેના માટે કોણ જવાબદાર? તે સંગઠન જે તેમને ખાવાનું આપે છે કે પછી અમે આ મામલે આંખો બંધ કરી લઇએ. રખડતા કૂતરાને ખોરાક આપનારા ડોગ લવર્સ કૂતરાઓને પોતાના ઘરે લઇ જાય.
કૂતરું કરડે તો સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મેહતા અને જસ્ટિસ એન વી અંજારિયાની બેંચે આગળ કહ્યું કે, તે લોકો પર જવાબદારી નિશ્ચિત થવી જોઇએ જે કહે છે કે અમે કૂતરાઓને ભોજન કરાવીએ છીએ. સરકાર કંઇ પણ નથી કરી રહી. અમે હવે રાજ્ય સરકારો પર ન માત્ર જવાબદારી પરંતુ પીડિતને ચોક્કસ વળતર મળે તેવો આદેશ આપીશું. એવો આદેશ આપીશું કે દરેક ડોગ બાઈટ પર સરકારે ભારે વળતર આપવું પડે.
સીનિયર એડવોકેટ અરવિંદ દાતાર (એક સંગઠન વતી): સુપ્રીમ કોર્ટનો 7 નવેમ્બરનો આદેશ સંપૂર્ણપણે યોગ્ય છે. શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બસ ડેપો અથવા રેલવે સ્ટેશનના પરિસરમાં એક પણ રખડતો કૂતરો હોવો જોઈએ નહીં.
જસ્ટિસ મહેતા: તમે પ્રથમ વ્યક્તિ છો જે આ આદેશની તરફેણમાં છો.
એડવોકેટ દાતાર: કોર્ટે વન્યજીવ વિસ્તારોમાં રખડતા કૂતરાઓના મુદ્દા પર પણ વિચાર કરવો જોઈએ. લદ્દાખમાં 55,000 રખડતા કૂતરાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યાં વન્યજીવોની 9 પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે, જેમને આ કૂતરાઓથી ખતરો છે. વન્યજીવ સંરક્ષણ જૂથો વતી અમે આ અંગે રિટ પિટિશન દાખલ કરી છે.
એડવોકેટ દાતાર: મુખ્ય વિવાદ એ છે કે શું પકડાયેલા રખડતા કૂતરાઓને ફરીથી તે જ વિસ્તારમાં છોડી દેવા જોઈએ? મદ્રાસ હાઈકોર્ટે ઠેરવ્યું છે કે જનતાને રસ્તા પર અવરજવર કરવાનો મૌલિક અધિકાર છે. તે સિવાય રસ્તા પર કંઈ પણ હોય તેને અતિક્રમણ (Encroachment) કહેવાશે. જ્યાં સુધી જાહેર સંસ્થાઓની વાત છે, ત્યાં માણસો માત્ર કામકાજ માટે આવે-જાય છે, રહી શકતા નથી. જ્યારે માણસો ત્યાં રહી શકતા નથી, તો પ્રાણીઓ પણ રહી શકે નહીં.
જસ્ટિસ મહેતા: ધારો કે એક RWA (રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન) છે. ત્યાં 95% લોકો કૂતરાઓની હાજરી ઈચ્છતા નથી, તો શું માત્ર 5% લોકોની ઈચ્છાને પ્રાધાન્ય આપવું જોઈએ? કોનું પલ્લું ભારે રહેશે?
એડવોકેટ દાતાર: આ બહુમતીનો સવાલ નથી. ભલે 99 લોકો કહે કે કૂતરા હોવા જોઈએ, તો પણ જો 1 વ્યક્તિને તેનાથી અડચણ હોય તો તે વાંધો ઉઠાવી શકે છે. કૂતરાઓના ત્રાસને કારણે રસ્તાઓ પર આપણે સૂર્યોદય પહેલા નીકળી શકતા નથી! હોસ્પિટલ કે રેલવે સ્ટેશનના કેમ્પસને ખુલ્લી જગ્યા માનીને ત્યાં કૂતરાઓની હાજરીને મંજૂરી આપી શકાય નહીં. લોકો તે સંસ્થાઓમાં કોઈ ખાસ હેતુ કે મુલાકાત માટે જાય છે.
જસ્ટિસ મહેતા: પરંતુ કૂતરાઓને ખવડાવવા માટે નહીં.
એડવોકેટ દાતાર: કૃપા કરીને 7 નવેમ્બર, 2025ના આદેશને એરપોર્ટ પર પણ લાગુ કરો. એરપોર્ટ ઓથોરિટી જણાવે છે કે અમારી ફરિયાદ છતાં તેઓ લાચાર છે, કારણ કે એવી ધારણા છે કે કૂતરાઓને પકડ્યા બાદ ફરી ત્યાં જ છોડવા પડશે.
જસ્ટિસ મહેતા: ગુજરાત હાઈકોર્ટની ઘટના પછી હવે અમારી પાસે અદાલતોમાં પણ કૂતરાઓના હુમલાના કિસ્સાઓ આવી રહ્યા છે. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કૂતરાઓને પકડવા ગયા, ત્યારે વકીલોએ જ તેમના પર હુમલો કરી દીધો! તથાકથિત શ્વાન પ્રેમીઓ (Dog Lovers)!

