કેનેડામાં પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર સનસની મચી ગઈ છે. લોકપ્રિય સિંગર ચન્ની નટ્ટનના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ કરીને બદમાશોએ આતંક મચાવ્યો છે. સદનસીબે ચન્ની અને તેનો પરિવાર માંડ-માંડ બચી ગયો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં ફાયરિંગ કરતા બદમાશો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે હુમલાની જવાબદારી લીધી
એક અહેવાલ પ્રમાણે લોરેન્સ બિશ્નોઈ ગેંગે પંજાબી સિંગર ચન્ની નટ્ટનના કેનેડા સ્થિત આવાસ થયેલ ફાયરિંગની જવાબદારી લીધી છે, જેમાં સરદાર ખેડા સાથેના તેમના કથિત સંબંધોનો હવાલો આપવામાં આવ્યો છે. ગેંગના એક સહયોગીએ એક વીડિયો જાહેર કરીને અન્ય સિંગરોને સરદાર ખેડા સાથે સબંધ ન રાખવા ચેતવણી આપી છે. સ્થાનિક અધિકારીઓ આ દાવાની તપાસ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગેંગના મોટા ખેલાડી ગોલ્ડી ધિલ્લોને કહ્યું કે, ‘સત શ્રી અકાલ! હું ગોલ્ડી ધિલ્લોન બોલી રહ્યો છું (લોરેન્સ બિશ્નોઈ ગેંગ). ચન્ની નટ્ટનના પર થયેલ ફાયરિંગનું કારણ સરદાર ખેડા છે. ગેંગનો દાવો છે કે ચન્ની સરદાર ખેડા સાથે સબંધ વધારી રહ્યો હતો, જે તેમનો દુશ્મન છે. અમારી ચન્ની સાથે પર્સનલી કોઈ દુશ્મની નથી, બસ મેસેજ આપવા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે.’
સિંગર્સને ખુલ્લી ધમકી
ગોલ્ડીએ સમગ્ર પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને પડકાર ફેંક્યો અને ધમકી આપતા કહ્યું છે કે, ‘ભવિષ્યમાં સરદાર ખેડા સાથે કામ અથવા દોસ્તી કરનાર સિંગર પોતાના નુકસાન માટે ખુદ જ જવાબદાર રહેશે. અમે ખેડાને સતત નુકસાન પહોંચાડતા રહીશું.’

