ચાલુ વર્ષે કમોસમી વરસાદથી ગુજરાતમાં 42 લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોચ્યુ હતું અને લગભગ 15 હજારથી વધુ ગામો, અસરગ્રસ્ત થયા હતા. આ સંજોગોમાં સરકારે કૃષિ પેકેજ જાહેર કરવું પડ્યું હતું. જોકે, બીજી તરફ, માવઠુ, વાવાઝોડુ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આકિસ્મક ઘટનાઓમાં મદદરુપ થવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્સ ફંડ (SDRF)માં પણ સહાય આપવામાં ય કેન્દ્ર સરકારે જાણે કંજૂસી દાખવી છે. વર્ષ 2024-25માં ગુજરાત માટે રૂ. 1635 કરોડ મંજૂર કરાયા પણ રૂ. 600 કરોડની સહાય આપવામાં આવી હતી.

પૂર, ભૂકંપ રાહત: તમામ ખર્ચ SDRFમાંથી
રાજ્યમાં પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ, ભૂકંપ જેવી કુદરતી આફતો વખતે લોકોને સલામત સ્થળે ખસેડવાથી માંડીને લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવી, તૂટી ગયેલાં રસ્તાઓનું સમારકામ કરવું, બચાવ કામગીરી કરવી, જે તે સ્થળે બચાવ ટુકડીઓ મોકલવાની કામગીરી કરવાની હોય છે જે તમામનો ખર્ચ એસડીઆરએફમાંથી કરવામાં આવે છે.
ખેડૂતો અને માછીમારોને ભારે નુકસાન
છેલ્લાં કેટલાંક વખતથી ગુજરાત જાણે કુદરતી આફતોથી ઘેરાયેલુ રહ્યુ છે. વાવાઝોડા અને અતિવૃષ્ટિના સતત આક્રમણને લીધે ખેડૂતોને જ નહીં, માછીમારોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એસડીઆરએફ ફંડમાંથી રાજ્ય સરકાર ખર્ચ કરી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મળતી સહાયમાં ઘટાડો થયો છે.
કેન્દ્ર સરકારના આંકડા: SDRF ફાળવણીમાં ઘટાડો
ખુદ કેન્દ્ર સરકારેના રિપોર્ટમાં જ આ વાતનો ખુલાસો થયો છેકે, વર્ષ 2020-21માં ગુજરાતના એસડીઆરએફ ફંડ માટે રૂ. 1412 કરોડ મંજૂર કરાયા હતા પણ રૂ.1059 કરોડ ફાળવાયા હતાં. વર્ષ 2022-23માં રૂ.1482 કરોડ આપવા નક્કી કરાયુ હતું પણ ગુજરાતને માત્ર રૂ.556 કરોડ જ અપાયા હતા. SDRF 2024-25: મંજૂરી સામે રૂ. 1035 કરોડનો કાપ
વર્ષ 2024-25માં રૂ.1635 કરોડ મંજૂર કરાયાં તે પૈકી માત્ર રૂ.600 કરોડ જ ફાળવી કેન્દ્ર એ હાથ ખંખેરી લીધા હતાં. પૂર, વાવાઝોડુ, ભૂકંપની સહાય માટે કેન્દ્ર સરકારે રૂ.7527 કરોડ ગુજરાતને ગ્રાન્ટ આપવા નક્કી કર્યુ હતું પણ રૂ.4414 કરોડ જ અપાયા હતાં. આમ, કુદરતી આફોમાં સહાય માટે અપાતી ગ્રાન્ટમાં ય કેન્દ્ર સરકારે કંજૂસી દાખવી હતી. ગુજરાતને અન્યાય કરાય છે તેવી બૂમરાણ કરતાં ભાજપના સત્તાધીશો હવે કેન્દ્રના વલણને લઈને હરફ ઉચ્ચારવા તૈયાર નથી.
