કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની જાણીતી સર ગંગારામ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે મોડી સાંજે તેમને હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હૉસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને જૂની ખાંસી(Chronic Cough) અને શ્વાસ લેવામાં તકલીફના કારણે દાખલ કરવામાં આવ્યા છે.

તબિયત સ્થિર, ડૉક્ટરોની દેખરેખ હેઠળ
હૉસ્પિટલ દ્વારા મળતી માહિતી મુજબ, હાલ તેમની તબિયત સ્થિર છે. તેમને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ (છાતીના રોગના નિષ્ણાત) ડૉક્ટરોની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક રેગ્યુલર ચેકઅપનો એક ભાગ છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને કારણે તેમને ખાંસીની સમસ્યા વધી હતી, જેના નિવારણ માટે તેઓ તપાસ કરાવી રહ્યા છે.પ્રદૂષણ અને સ્વાસ્થ્યની સમસ્યા
PTIના અહેવાલ મુજબ, સોનિયા ગાંધી લાંબા સમયથી શ્વાસ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. દિલ્હીની હવાની ગુણવત્તા ખરાબ થતાં તેમને અવારનવાર ચેકઅપ માટે હૉસ્પિટલ આવવું પડે છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ ડિસેમ્બર 2025માં જ પોતાનો 79મો જન્મદિવસ ઉજવ્યો હતો.

