વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામના દરાંગ અને ગોલાઘાટ જિલ્લામાં ૧૮૫૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. મોદીએ એક મેડિકલ કોલેજ, એક નર્સિંગ કોલેજ અને જીએનએમ સ્કૂલનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન આસામની અગાઉની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે આસામને હિંસા અને વિવાદ આપ્યા છે જ્યારે ભાજપે રાજ્યને સમૃદ્ધ બનાવ્યું છે.

આતંકવાદ મુદ્દે પણ કોંગ્રેસ પર વડાપ્રધાને પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ભારતીય સૈન્ય કરતા પાકિસ્તાનના આતંકવાદ પર વધુ વિશ્વાસ કરે છે.
આસામમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં ૧૮૩૫૦ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટને ખુલ્લા મુક્યા હતા. ગોલાઘાટ જિલ્લામાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત ઘટાડવાની દિશામાં પ્રયાસો કરી રહી છે સાથે જ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે.
અમેરિકાએ ભારતની વસ્તુઓ પર ૫૦ ટકા ટેરિફ નાખ્યો છે, રશિયા પાસેથી ભારત ઓઇલ ખરીદી રહ્યું હોવાથી ટ્રમ્પે આ નિર્ણય લીધો છે એવામાં મોદીએ આ નિવેદન આપ્યું હતું. મોદીએ વધુમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશમાં લાંબા સમય સુધી શાસન કર્યું છે, આસામમાં પણ કોંગ્રેસની સરકાર હતી અને દસકાઓ સુધી શાસન કર્યું. જોકે જ્યાંસુધી કોંગ્રેસની સરકાર રહી ત્યાંસુધી વિકાસની ગતિ ધીમી રહી અને વિરાસત પણ સંકટમાં મુકાઇ હતી.
ભાજપની ડબલ એન્જિન સરકાર આસામની જુની ઓળખને સશક્ત કરી રહી છે. કોંગ્રેસે આસામ અને નોર્થ ઇસ્ટને અલગાવ આપ્યું, હિંસા, વિવાદ આપ્યા. જ્યારે ભાજપની સરકાર વિકાસ અને વિરાસતથી સમૃદ્ધ રાજ્ય બનાવી રહી છે.

