કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ અનેક વખત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. જ્યારે રાહુલ ગાંધી અવારનવાર ચૂંટણી પંચ અને ઈવીએમમાં ગડબડ હોવાના આક્ષેપો કરતા રહ્યા છે, ત્યારે કર્ણાટકની કોંગ્રેસ સરકારે લોકસભા ચૂંટણી-2024માં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર આશંકા વ્યક્ત કરીને સરવે હાથ ધર્યો હતો, જેમાં ખુદ કોંગ્રેસને જ મોટો ઝટકો લાગ્યો છે. સરવેમાં 83 ટકાથી વધુ લોકોએ EVM પર વિશ્વાસ મૂક્યો છે. કોંગ્રેસે રિપોર્ટ જાહેર કર્યા બાદ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

કર્ણાટક સરકારે 5100 લોકો પાસેથી લીધો ફીડબેક
કર્ણાટકની કોંગ્રેસ સરકારે (Karnataka Congress Government) EVM પર આશંકાને લઈને રાજ્યની 102 વિધાનસભા ક્ષેત્રોમાં સરવે હાથ ધર્યો હતો. આ માટે પાર્ટીએ 5100 લોકો પાસેથી ફીડબેક મેળવ્યો હતો. કર્ણાટક સરકારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વી.અનબુકુમાર હેઠળ સરવે કરાવ્યો હતો, જેમાં 83.61 ટકા લોકોએ ઈવીએમને વિશ્વાસપાત્ર ગણાવ્યું છે, જ્યારે 69.39 લોકો માને છે કે, EVMના કારણે સાચા પરિણામ સામે આવે છે.
કર્ણાટકે સત્ય બતાવી દીધું : ભાજપના પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વારંવાર આક્ષેપ કરતા રહ્યા છે કે, ભાજપ અને ચૂંટણી પંચ દ્વારા EVMમાં ગોટાળા કરીને મતની ચોરી કરવામાં આવી રહી છે. રાહુલે ભાજપ પર અનેકવાર વોટ ચોરીના આક્ષેપ કર્યા હતા, ત્યારે હેવ કર્ણાટક કોંગ્રેસે સરવે જાહેર કર્યો છે, જેને લઈને ભાજપે પ્રતિક્રિયા આપી છે. કર્ણાટક વિધાનસભામાં ભાજપના વિપક્ષ નેતા આર.અશોકે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું છે કે, ‘રાહુલ ગાંધી વર્ષોથી દેશભરમાં કહી રહ્યા છે કે, ભારતની લોકશાહી ખતરામાં છે અને ઈવીએમ પર વિશ્વાસ રાખવા જેવો નથી, પરંતુ કર્ણાટકની પ્રજાએ કોંગ્રેસના આક્ષેપોને તદ્દન વિપરીત જવાબ આપ્યો છે.’

