NATIONAL : ક્યારેય નહિ દેખાયેલા લઘુગ્રહોથી પૃથ્વીને વધુ જોખમ

0
15
meetarticle

હોલિવુડની ફિલ્મોમાં કોઈ જાયન્ટ લઘુગ્રહ પૃથ્વી સાથે  ટકરાય તેવી સંભાવનાઓ દર્શાવાતી  હોય છે કે કેટલાય લઘુગ્રહો  પૃથ્વી  પર ધસમસતા આવતા હોય પરંતુ વચ્ચે જ વાતાવરણમાં ક્યાંક  ભસ્મ થઈ જતા હોય છે. જોકે, નાસાનું  કહેવું છે કે આવા જાયન્ટ કે પછી પેલા પૃથ્વી સુધી પહોંચી જ નહિ શકેલા લઘુગ્રહો કરતાં  પણ અત્યાર સુધી તેનાં ટેલિસ્કોપમાં  ક્યારેય નહિ દેખાયેલા ગ્રહોથી  પૃથ્વીને વાસ્તવમાં વધુ જોખમ રહેલું છે. નાસાના વિજ્ઞાાનીઓ કહે છે કે આ ટચૂકડા ગ્રહો એટલા નાના કદના છે કે તેનાં ટેલિસ્કોપમાં ઝીલાતા નથી. પરંતુ, આ જ લઘુગ્રહો જો પૃથ્વી સાથે ટકરાઈ જાય તો એક આખાં વિશાળ શહેરનો ખાત્મો બોલાવી દઈ શકે છે. 

તાજેતરમાં એક વિજ્ઞાાન કોન્ફરન્સમાં નાસાના  વિજ્ઞાાનીઓએ આ ભયસૂચક તથા અફસોસજનક શક્યતા વર્ણવતા કહ્યું હતું કે વાસ્તવમાં  લઘુગ્રહોનાં જોખમ સામે પૃથ્વી  ખરેખર પૂરેપૂરી  સજ્જ નથી. અમેરિકનક એસોસિએશન ફોર એડવાન્સમેન્ટ ઓફ સાયન્સમાં  સંબોધન  કરતાં નાસાના પ્લેનેટરી ડિફેન્સ ઓફિસર કેલી ફાસ્ટે નિખાલસતાપૂર્વક કહ્યુું હતું કે આ જોખમો સામેની તૈયારીમાં હજુ આપણે ઘણા ઉણા ઉતરી રહ્યા છીએ. 

તેમણે કહ્યું હતું કે આપણને હજુ સુધી ક્યારેય નહિ  જ દેખાયેલા લઘુગ્રહો અચાનક પૃથ્વી પર ત્રાટકશે  તેવા ડરથી મારી રાતની ઉંઘ  હરામ થઈ જાય છે. 

કેલી ફાસ્ટે કહ્યું હતું કે નાના લઘુગ્રહો વારંવાર પૃથ્વી  સાથે ટકરાતા હોય છે પરંતુ તેનાથી પૃથ્વીને ખાસ નુકસાન થતું નથી. બીજી તરફ બહુ જાયન્ટ કદનાં  લઘુગ્રહોથી આપણને ઓછું જોખમ  છે કારણ કે આવાં મોટા કદના  લઘુગ્રહ તરત જ ટેલિસ્કોપમાં દેખાઈ જાય છે. એસ્ટ્રોનોમર્સ તેમને શોધી કાઢે છે અને તેમની ગતિવિધિઓ ટ્રેક કરી શકે છે. આપણને વાસ્તવમાં જોખમ મધ્યમકદના એટલે કે આશરે ૪૫૯ ફૂટ અથવા તો તેનાથી મોટા લઘુગ્રહોથી છે. આ લઘુગ્રહોને સિટી કિલર તરીકે ઓળખાવી શકાય. જો આ લઘુગ્રહો પૃથ્વી પર ત્રાટકે તો તે તેટલા વિસ્તારમાં  બહુ મોટાપાયે ખુવારી  સર્જી શકે તેમ છે. ચિંતાની વાત એ છે કે આપણને આવા ગ્રહો વિશે હજુ કાંઈ ખબર નથી, આપણે  તેમને જોયા જ નથી. કેલી ફાસ્ટે એમ કહ્યું હતું કે પૃથ્વીની નજીક જ હોય તેવા આશરે પચ્ચીસ હજાર જેટલા લઘુગ્રહો છે. તેમાંથી અત્યાર સુધીમાં ફક્ત ૪૦ જ ટકા લઘુગ્રહોનો પતો આપણને મળ્યો છે. આ ગ્રહો ખરેખર પૃથ્વી પર કોઈ વિસ્તારમાં મોટું નુકસાન સર્જી શકે તેમ છે પણ આપણને એ અત્યારે ક્યાં પહોંચ્યા છે, કેટલાં અંતરે છે, કેટલી ગતિથી આવી રહ્યા છે એવી કોઈ ખબર જ નથી. 

એસ્ટ્રોનોમર્સના કહેવા પ્રમાણે આશરે ૪.૬ અબજ વર્ષ પહેલાં આપણી સૂર્યમાળામાં આ લઘુગ્રહોનું સર્જન થયુું હોવાન અંદાજ છે. તેમાંથી મોટાભાગના મંગળથી ગુરુ ગ્રહ વચ્ચના લઘુગ્રહોના ઝૂમખાં આસપાસ છે. જોકે, તેમાંથી કેટલાક ઉપગ્રહો એવા પણ છે જે ભ્રમણ કરતાં કરતાં પૃથ્વીની નજીક આવી જાય છે.  સેન્ટર ફોર નીઅર અર્થ ઓબ્જેક્ટસ  સ્ટડીઝના પૌલે ચેઈડાસે  કહ્યું હતું કે હજારો વર્ષ દરમિયાન આ લઘુગ્રહોની ભ્રમણકક્ષા પણ બદલાઈ હોય અને સદીઓમાં એકાદ વાર તે પૃથ્વી સાથે અથડાઈ પડે તેવી  શક્યતા રહેલી  હોય છે. ગયાં વર્ષે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ૨૦૩૨નાં વર્ષમાં  ૨૦૨૪ વાયઆરફોર નામનો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાઈ જાય તેવી ૩.૧થી ૩.૨ ટકા જેટલી શક્યતા છે. જોકે, બાદમાં નાસાએ જાહેર કર્યું હતું કે આ લઘુગ્રહ ૨૦૩૨માં કે તે પછી પણ પૃથ્વી સાથે ટકરાવાનો નથી. જેમ્સ વેબ્સ ટેલિસ્કોપ અત્યારે આ ઉપગ્રને ટ્રેક કરી રહ્યું છે. વિજ્ઞાાનીઓની ધારણા છે કે આ લઘુગ્રહ કદાચ ચન્દ્ર સાથે ટકરાઈ શકે છે. જો તેવું બનશે તો આ ટક્કરના કારણે સર્જનારી  ફલેશ આપણને અહીંથી પણ દેખાશે. 

૨૦૨૨માં નાસાએ દર્શાવ્યુું હતું કે તે કોઈ લઘુગ્રહની ભ્રમણકક્ષા બદલી પણ શકે છે. નાસાના ડબલ એસ્ટોરોઈડ રિડિરેક્શન ટેસ્ટ (ડાર્ટ) મિશન દ્વારા એક મોટા ઉપગ્રહની ફરતે ફરતા તેના નાનકડા  ઉપગ્રહ ડિમોર્ફસને ૧૪ હજાર માઈલ પ્રતિ કિમીની ઝડપે ટક્કર મારી તેની દિશા બદલી નાખવામાં આવી હતી. જોકે, આ મિશનનાં વડાં નેન્સી ચેબોટે કહ્યું હતું કે અત્યારે આપણી પાસે આવી ડાર્ટ સિસ્ટમ તૈયાર નથી. જો ૨૦૨૪વાયઆરફોર અત્યારે પૃથ્વીથી નજીક આવી જાય તો તેને ટક્કર મારી તેની ભ્રમણકક્ષા બદલી નાખવા માટે આપણે અત્યારે સજ્જ નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here