ઉત્તર ગોવામાં ‘બિર્ચ બાય રોમીયો લેન’ નાઈટ ક્લબના સહમાલિકો ગૌરવ અને સૌરભ લુથરાની ગુરુવારે થાઈલેન્ડમાં સત્તાવાળાઓએ ધરપકડ કરી છે. બીજીબાજુ દિલ્હીની રોહિણી કોર્ટે ગુરુવારે લુથરા બંધુઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ગયા સપ્તાહે ગોવાની બિર્ચ બાય રોમીયો લેન નાઈટ ક્લબમાં મોડી રાતે ભયાનક આગ લાગતા ૨૫ લોકોનાં મોત થયા હતા.

ઉત્તર ગોવાના અરપોરા ગામમાં ૬ ડિસેમ્બરની મધરાતે નાઈટક્લબમાં થયેલા અગ્નિકાંડમાં લુથરા બંધુઓ મુખ્ય આરોપી છે, જેઓ આ દુર્ઘટના પછી તુરંત થાઈલેન્ડ ભાગી ગયા હતા. તેમને શક્ય એટલી વહેલી તકે ભારત પાછા લવાશે તેમ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું.દરમિયાન ગોવામાં કોર્ટે નાઈટક્લબના રોકાણકાર અને સાયલન્ટ ભાગીદાર અજય ગુપ્તાને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી આપ્યા છે. બીજીબાજુ ભાગેડૂ સૌરભ અને ગૌરવ લુથરાએ દિલ્હીની રોહિણી કોર્ટમાં ચાર સપ્તાહના ટ્રાન્ઝિટ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેથી તેઓ થાઈલેન્ડથી ભારત પાછા ફરે ત્યારે તુરંત તેમની ધરપકડ કરવામાં ના આવે, પરંતુ અધિક સેશન્સ જજ વંદનાએ તેમની અરજી નકારી કાઢી હતી. ગોવા સરકારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, લુથરા બંધુઓ અગ્નિકાંડની દુર્ઘટના બાદ ભાગી છૂટયા હતા અને હવે તેઓ રાહત માગી રહ્યા છે. કાયદાકીય પ્રક્રિયા ટાળવા માટે આગની દુર્ઘટના બાદ તુરંત તેઓ ભાગી છૂટયા હતા.દરમિયાન રાજ્ય સરકારે ગોવામાં ગેરકાયદે નાઈટક્લબ્સ અને અન્ય પ્રવાસન સંસ્થાનો તોડી પાડવા માટેનું અભિયાન યથાવત્ રાખ્યું હતું. સરાકરે વાગટોરમાં કૃષિ જમીન પર બંધાયેલી ‘ગોયા ધ નાઈટ ક્લબ’ સીલ કરી હતી.
ઉપરાંત સરકારે નાઈટક્લબ અને પ્રવાસન સંસ્થાનોની અંદર ફટાકડા ફોડવા, સ્પાર્કલર્સ, આતશબાજી જેવી અસર દર્શાવતી, આગ ફેંકતી હોય તેવી ડિવાઈસીસ, ધુમાડા પેદા કરતી અને આવી અન્ય ડિવાઈસીસ અને ઈક્વિપમેન્ટના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

