NATIONAL : ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ

0
59
meetarticle

ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ અંતરિક્ષ  અનુસંધાન ક્ષેત્રમાં એક નવું કીર્તિમાન સ્થપિત કર્યું છે. ઈસરોએ જાહેરાત કરી છે કે ચંદ્રયાન ટુ લુનર ઓર્બિટરે પ્રથમ વાર સૂર્યના કોરોનલ માસ ઈજેક્શન  (સીએમઈ)ની  ચંદ્રના વાતાવરણ પર સીધી અસરની નોંધ કરી છે. આ શોધ પ્રમાણિત કરે છે કે સૌર ગતિવિધિ ચંદ્રના પાતળા એક્સોસ્ફિયર અને સપાટીને પણ પ્રભાવિત કરી શકે છે, જે ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસતી અને સંશોધન કેન્દ્રોની યોજના માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

આ નિરીક્ષણ ચંદ્રયાન ટુ પર લગાવેલા વૈજ્ઞાાનિક ઉપકરણ ચેસ-ટુ (ચંદ્રની વાતાવરણીય રચના એક્સપ્લોરર-ટુ)નો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. ડેટા દર્શાવે છે કે જ્યારે સીએમઈએ ચંદ્રની સપાટીને અસર કરી ત્યારે દિવસ દરમ્યાન ચંદ્રના એક્સોસ્ફિયરમાં દબાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ સમય દરમ્યાન ન્યુટ્રલ અણુઓ અને પરમાણુઓની કુલ સંખ્યામાં સામાન્ય ક્રમ કરતા વધુ વધારો થયો હતો. 

આ ઘટનાથી લાંબા સમયથી આવા અનુમાન લગાવી રહેલા સૈદ્ધાંતિક મોડલોની પુષ્ટી થઈ હતી તેમજ પ્રથમવાર તેનું પ્રત્યક્ષ અવલોકન થઈ શક્યું છે.

પૃથ્વીની સૌથી નજીકના તારા સૂર્ય પર લગાતાર વિસ્ફોટ થતા રહે છે. આ વિસ્ફોટોમાંથી ચાર્જ પ્લાઝમા અને ચૂંબકીય ઊર્જા અંતરિક્ષમાં ફેલાય છે, જેને કોરોનલ માસ ઈજેક્શન કહેવામાં આવે છે. આવા સૌર તોફાનોનો પ્રભાવ પૃથ્વી ઉપરાંત ચંદ્ર જેવા અવકાશી પિંડો પર પણ જોવા મળી રહ્યો છે.

આ દુર્લભ અવલોકનની તક  ૧૦ મે, ૨૦૨૪માં મળી હતી જ્યારે સૂર્યમાંથી ચંદ્ર તરફ સીએમઈની એક શક્તિશાળી શ્રેણી ફેંકાઈ હતી. 

આ સૌર ગતિવિધિ દરમ્યાન ચંદ્રની સપાટીના અણુ  તૂટીને તેના એક્સોસ્ફિયરમાં ફેલાઈ ગયા, જેનાથી અસ્થાયી રૂપથી તેની ઘનતા તેમજ દબાણમાં વધારો થયો હતો.

ઈસરોએ જાણકારી આપી કે આ શોધ સૌર તોફાન ચંદ્રના વાતાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના વિશે ઊંડી સમજ પ્રદાન કરે છે. આ અભ્યાસથી મળેલી જાણકારી ભવિષ્યમાં ચંદ્ર પર વૈજ્ઞાાનિક સંશોધન કેન્દ્રો અને માનવ વસતીના નિર્માણમાં અત્યંત ઉપયોગી સાબિત થશે કારણ કે તીવ્ર સૌર ઘટનાઓ ત્યાંના વાતાવરણને અસ્થાયી રૂપથી બદલી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here