ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ત્રિપુરાના 24 વર્ષીય વિદ્યાર્થી એન્જલ ચકમાની હત્યાના મામલે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
દેહરાદૂનમાં ત્રિપુરાના વિદ્યાર્થી એન્જલ ચકમાની હત્યાના મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ આ ઘટનાને ‘હેટ ક્રાઈમ’ (નફરત પ્રેરિત ગુનો) ગણાવી ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે આવી નફરત રાતોરાત પેદા નથી થતી, પરંતુ સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા વર્ષોથી પીરસવામાં આવતા ઝેરી કન્ટેન્ટ અને પૂર્વગ્રહયુક્ત વાતોને કારણે સમાજમાં નફરત હવે ‘નોર્મલ’ બની ગઈ છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત વિવિધતા, સન્માન અને એકતા પર ટકેલો દેશ છે, જ્યાં ડર અને અપશબ્દોને કોઈ સ્થાન નથી. તેમણે ત્રિપુરા અને પૂર્વોત્તર રાજ્યોના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ઉમેર્યું કે દેશને તેમના પર ગર્વ છે અને ભારતીયોએ આવા હુમલાઓ સામે ચૂપ ન રહીને દેશના ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે.

રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ આ મુદ્દે મૌન તોડ્યું છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંબોધતા કહ્યું કે, ‘આ હત્યા કટ્ટરતા અને સરકારના નેતાઓની ચુપકીદીનું ચોંકાવનારું ઉદાહરણ છે. અમિત શાહજી, તમારે નફરતભર્યા ગુનાઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ.’
ગત 9 ડિસેમ્બરના રોજ દેહરાદૂનના સેલાકુઈ બજારમાં ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના વતની એન્જલ ચકમા અને તેના ભાઈ માઈકલનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીઓએ ચપ્પુ અને પીતળના નકલથી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા એન્જલનું 26 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
એન્જલના પિતા તરુણ ચકમા, જેઓ BSFમાં ફરજ બજાવે છે, તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે હુમલાખોરોએ તેમના પુત્રને ‘ચાઇનીઝ મોમો’ કહીને નસ્લીય ગાળો આપી હતી. જ્યારે એન્જલે પોતે ભારતીય હોવાનું કહી વિરોધ કર્યો, ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો. જોકે, સ્થાનિક પોલીસે નસ્લીય હુમલાની વાત નકારતા જણાવ્યું છે કે એક આરોપી પોતે મણિપુરનો છે.
પોલીસે અત્યાર સુધીમાં બે સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી યજ્ઞરાજ અવસ્થી (નેપાળી મૂળનો) હજુ પણ ફરાર છે, જેના પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા વચ્ચે પણ આ મુદ્દે વાતચીત થઈ છે અને કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.
