ચીન ટેક્નોલોજીથી લઇને મશીનરી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ચીનના અનોખા એટીએમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ એટીએમમાં લોકો સોનું નાખીને બદલામાં તાત્કાલીક રૂપિયા મેળવી શકે છે. વળી નવાઇની વાત એ છે કે આ એટીએમમાં જે સોનું નામખવામાં આવે છે તે તરત જ પીગળી જાય છે.

જે વીડિયો વાયરલ થયો છે તેમાં લોકો એટીએમમાં સોનું નાખતા દેખાય છે, જેવુ સોનું અંદર જાય કે તરત જ તે પીગળી જાય છે, પીગળી જવાને કારણે તેની શુદ્ધતાનો ખ્યાલ આવી જાય છે. શુદ્ધતાના આધારે સોનાનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે અને તે મુજબ વ્યક્તિના ખાતામાં ૩૦ જ મિનિટમાં નાણા જમા થઇ જાય છે. કિંગહૂડ ગુ્રપ સંચાલિત આ એટીએમમાં ત્રણ ગ્રામથી વધુ અને ઓછામાં ઓછા ૫૦ ટકા શુદ્ધતાવાળા સોનાનો સ્વીકાર કરવામાં આવે છે. સોનાની વધી રહેલી કિંમતોને કારણે લોકો પોતાનું જુનુ સોનું આ મશીનની મદદથી વેચવા લાગ્યા છે. લોકોને મશીન એટલુ પસંદ આવી રહ્યું છે કે તેઓ એડવાંસમાં બૂકિંગ કરાવવા લાગ્યા છે. જેને કારણે રિપોર્ટ મુજબ મે મહિના સુધીનું બૂકિંગ થઇ ચુક્યું છે. એક ડેમો મુજબ આશરે ૪૦ ગ્રામની સોનાની ચેનના બદલામાં ૭૮૫ યુઆન એટલે કે ૯૨૦૦ રૂપિયા પ્રતિગ્રામ મળ્યા છે. કુલ મળીને ૩૬૦૦૦ યુઆન એટલે કે ૪.૨ લાખ રૂપિયા સીધા બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવ્યા હતા. આ મશીન રિસાઇકલિંગ તરીકે પણ કામ કરી રહ્યા છે. આ એટીએમ વધુ સુરક્ષીત પણ બનાવવામાં આવ્યા છે.

