કેન્દ્રીય વન્યજીવ સમિતિએ ચીન સરહદે એલએસી પાસે પૂર્વી લદ્દાખમાં ભારતીય સૈનિકો માટે દારુગોળાના ભંડારણ અને કોમ્યુનિકેશન નેટવર્કની માળખાકીય સુવિધાના નિર્માણને લીલીઝંડી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ આ મંજૂરી બાદ ચીન સરહદે સૈનિકોને વિસ્ફોટકો અને હથિયારો પહોંચાડવા વધુ સરળ બનશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સૈન્ય માટે ભંડારણ અને કોમ્યુનિકેશની માળખાકીય સુવિધા ચાંગથાંગથી વધુ ઉંચાઇવાળા વન્યજીવ અભયારણ્ય અને કારાકોરમ નુબ્રા શ્યોક વન્યજીવ અભયારણ્યમાં બનાવવામાં આવનારા આ નવા માળખાનો ઉદ્દેશ્ય દારુ ગોળાની સૈન્ય સુધી પહોંચ વધુ મજબૂત બનાવવાનો છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે લાંબા સમય સુધી સૈન્ય સામસામે રહ્યું હતું. આશરે ૫૪ મહિના સુધી બન્ને દેશો વચ્ચે વિવાદ ચાલ્યો હતો. જેની શરૂઆત મે ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોના હુમલા બાદ થઇ હતી. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ વિવાદ શાંત પડયો હતો. જોકે હાલ અહેવાલો સામે આવ્યા હતા કે ચીને માત્ર સૈનિકોને થોડા જ અંતરે પાછા ઘસેડયા છે. એવામાં ભારતે પણ સરહદે સતર્કતાના ભાગરુપે સૈન્યને મદદરૂપ થવાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે. હાલ જે નવી સુવિધા સૈન્ય માટે ઉભી કરાઇ રહી છે તેમાં લદ્દાખમાં સ્થિત આ વન્યજીવ અભયારણ્યને કોઇ નુકસાન ના પહોંચે તેની પણ તકેદારી રાખવામાં આવશે.

