ચૂંટણી પંચે સંબધિત મુખ્ય ચૂંટણી અધિકારીઓની વિનંતીઓને પગલે ગુજરાત સહિત છ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા (એસઆઇઆર) માટે સમય મર્યાદા લંબાવી છે.

એક નિવેદનમાં ચૂંટણી પંચે તમિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર પ્રદેશમાં એસઆઇઆર માટે સુધારેલ સમયપત્રક જારી કર્યુ છે.
આ છ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ગણતરીનો સમયગાળો ગુરૃવારે સમાપ્ત થવાનો હતો અને ડ્રાફ્ટ મતદાર યાદી ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત થવાની હતી.
તમિલનાડુ અને ગુજરાત માટે ગણતરીનો સમયગાળો ૧૪ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે અને ડ્રાફ્ટ મતદાર યાદી ૧૯ ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ગણતરીનો સમયગાળો ૧૮ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે અને ડ્રાફ્ટ મતદાર યાદી ૨૩ ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશ માટે ગણતરીનો સમયગાળો ૨૬ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે અને ડ્રાફ્ટ મતદાર યાદી ૩૧ ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.
ચૂંટણી પંચનાં નિવેદન અનુસાર ગોવા, પુડુચેરી, લક્ષદ્વીપ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ માટે ગણતરીનો સમયગાળોે ગુરૃવારે સમાપ્ત થશે અને ડ્રાફ્ટ મતદાર યાદી ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.
કેરળ માટે અગાઉ જ શિડયુલ રિવાઇઝ કરવામાં આવ્યું હતું. કેરળમાં ગણતરીનો સમયગાળો ૧૮ ડિસેમ્બરે પૂર્ણ થશે અને ડ્રાફ્ટ મતદાર યાદી ૨૩ ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.
કોઇ પણ લાયક મતદાર બાકી ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે નવા મતદારોને ફોર્મ ૬ ભરવા અને બૂથ લેવલ ઓફિસરો (બીએલઓ)ને જમા કરાવવા અથવા ઇસીઆઇનેટ એપ્લિકેશન કે વેબસાઇટનો ઉપયોગ કરીને ઓનલાઇન ફોર્મ ભરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે જેથી તેમના નામ અંતિમ મતદાર યાદીમાં સમાવિષ્ટ થઇ જશે. આ અંતિમ મતદાર યાદી ફેબુ્રઆરીમાં પ્રકાશિત કરાશે.

