૧૨ જેટલા રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન થઇ રહ્યું છે. એવામાં પશ્ચિમ બંગાળ દ્વારા આ સમગ્ર વેરિફિકેશન પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચને ફટકાર લગાવતા કહ્યું હતું કે તમે બંગાળમાં વેરિફિકેશન દરમિયાન એક કરોડથી વધુ મતદારોને યાદીમાંથી બહાર કર્યા છે અને તેમને ખરાઇ માટે નોટિસ મોકલી છે, લોકો આ પ્રક્રિયાને કારણે કેટલા તણાવ અને મુશ્કેલીમાં છે તેને સમજવું જોઇએ.આ સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે તે સવા કરોડ લોકોના નામ જાહેર કરે જેને લોજિકલ ડિસ્ક્રિપેંસી એટલે કે આંકડામાં તાર્કિક ગરબડના આધાર પર નોટિસ મોકલવામાં આવી છે. જે પણ મતદારોના નામ કમી કરવાની સ્થિતિ ઉપસ્થિત થઇ તેમને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરીને નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં સૌથી વિવાદિત કેટેગરી લોજિકલ ડિસ્ક્રિપેંસી છે. આ કેટેગરીમાં એવા લોકોને સામેલ કરાયા છે કે જેમના માતા પિતાના નામોમાં સ્પેલિંગની ભૂલ હોય કે માતા પિતા અને સંતાનો વચ્ચેની વયમાં મોટો ફેરફાર હોય.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આ કેટેગરીમાં આવતા સવા કરોડ લોકોની યાદી ગ્રામ પંચાયતો, તાલુકા ઓફિસ અને વોર્ડ ઓફિસમાં નોટિસ બોર્ડ પર લગાવવામાં આવે. સાથે જ જે પણ લોકોને નોટિસ મોકલવામાં આવી છે તેમને પોતાનો જવાબ રજુ કરવા માટે વધુ સમય આપવામાં આવે. એટલુ જ નહીં સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે નોટિસ પાઠવાઇ તે મતદારોની સુનાવણી દરમિયાન પુરતા કર્મચારીઓ હાજર રહેવા જોઇએ અને લોકોએ જે પણ દસ્તાવેજો જમા કરાવ્યા તેની પાકી રસીદ આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં તૃણમુલ કોંગ્રેસ તરફથી હાજર વરીષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે સરનેમના સ્પેલિંગમાં સામાન્ય ભૂલો જેવી બાબતમાં લોકોને નોટિસ પકડાવાઇ રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારનંં નામ કમી કરવાનો છે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચના વકીલે કહ્યું હતું કે એક વેરિફિકેશનમાં માતા અને પુત્ર વચ્ચે માત્ર ૧૫ વર્ષનું જ અંતર છે, જેના પર સુપ્રીમના ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ આક્રામક સવાલ કરતા કહ્યું હતું કે માતા પુત્ર વચ્ચે ૧૫ વર્ષનું અંતર હોવું કોઇ તાર્કિક ગરબડ કેવી રીતે હોઇ શકે? આપણે એ ના ભુલવુ જોઇએ કે આપણે એવા દેશમાં છીએ કે જ્યાં બાળ વિવાહ પણ એક કડવી વાસ્તવિકતા છે. એક કરોડથી વધુ લોકોને નોટિસ મોકલવી કોઇ નાની વાત નથી, ચૂંટણી પંચે લોકોની મુશ્કેલીઓને પણ સમજવી પડશે. સુપ્રીમ કોર્ટના આદેશને તૃણમુલ કોંગ્રેસે મોટી જીત બતાવી હતી, ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે બંગાળમાં ભાજપનો એસઆઇઆર ખેલ હવે ખતમ થઇ ગયો છે.

