દિતવાહ ચક્રવાત સવારે તમિલનાડુમાં ચેન્નઈ પર ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જોકે, આ ચક્રવાત રવિવારે મોડી સાંજ સુધી તમિલનાડુ પર ત્રાટક્યું નહોતું. હવામાન વિભાગે રવિવારે કહ્યું કે, ચક્રવાત દિતવાહ તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાથી અંદાજે ૮૦ કિ.મી.ના અંતર પર દક્ષિણ- પશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રીત થયું છે અને તે ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈને નબળું પડયું છે. જોકે, દિતવાહ ચક્રવાતના કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં અતિ ભારે વરસાદ ખાબકતાં ભારે તારાજી થઈ હતી. વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા તેમજ ૧૫૫ પશુ તણાઈ ગયા હતા.ચક્રવાત દિતવાહે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા પછી હવે તમિલનાડુમાં ભારે તારાજી ફેલાવી છે. જોકે, ચક્રવાત રવિવારે સવારે તમિલનાડુમાં લેન્ડફોલ થવાનું હતું, પરંતુ તેની ગતિ ધીમી પડતાં અને તમિલનાડુમાં દરિયાકાંઠાના સમાંતર ઉત્તર તરફ આગળ વધતાં રવિવારે મોડી રાત સુધી તે લેન્ડફોલ થયું નહોતું.

જોકે, દિતવાહ ચક્રવાતની અસરના કારણે દરિયો તોફાની બન્યો હતો અને તિવ્ર ગતિએ ફૂંકાતા પવનના પગલે ઊંચી-ઊંચી લહેરો ઊઠી હતી. હવામાન વિભાગે કહ્યું કે, ચક્રવાત ઉત્તર તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાથી ૮૦ કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં કેન્દ્રીત થયું છે તથા ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈને નબળું થયું છે. ચક્રવાત પ્રતિ કલાક પાંચ કિ.મી.ની ગતિએ આગળ વધી રહ્યું છે. જોકે, ચક્રવાતને પગલે તકેદારી માટે ૫૦થી વધુ ફ્લાઈટ કેન્સલ કરાઈ છે તથા અનેક ટ્રેનોને અન્યત્ર ડાયવર્ટ કરાઈ છે. પ્રવાસીઓ અને માછીમારો સહિત લોકોને સમુદ્રથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે.
દિતવાહ ચક્રવાત તમિલનાડુ નજીક નબળું પડતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ચક્રવાતના કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે, જેના પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. કાવેરી ડેલ્ટા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રામનાથપુરમ અને નાગપટ્ટિનમ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તમિલનાડુમાં વરસાદ સંબંધિત ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે તેમજ ૧૫૦થી વધુ પશુઓ તણાઈ ગયા છે. ડેલ્ટા વિસ્તારમાં ૫૭,૦૦૦ હેક્ટર ખેતીમાં જમીન ડૂબી ગઈ છે.
ચક્રવાતના કારણે કોઈપણ સ્થિતિનો સામનો કરવા પુડુચેરીમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૬ ટીમો અને એનડીઆરએફની ૧૨ ટીમો તૈનાત કરાઈ છે. વધુમાં તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની અસર જોવા મળશે. દિતવાહ ચક્રવાતની ભયાનકતા એ બાબત પરથી જ સમજી શકાય છે કે આ ચક્રવાતના કારણે શ્રીલંકામાં મૃત્યુઆંક વધીને ૩૩૦ થયો છે તથા ૩૭૦થી વધુ લોકો હજુ લાપતા છે. વધુમાં શ્રીલંકાની મદદે ગયેલી ભારતીય એનડીઆરએફની ટીમે શ્રીલંકામાં અલગ અલગ સ્થળો પર ફસાયેલા સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડયા હતા.
ખરાબ હવામાનના કારણે શ્રીલંકાના કોલંબો એરપોર્ટ પર ફસાયેલા ૩૨૦ ભારતીય પ્રવાસીઓને ભારતીય એરફોર્સની ટીમ ભારત લઈ આવી હતી.
શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું કે, ભારતીય એરફોર્સની બે એમસીસી ફ્લાઈટ્સે ૨૪૭ પ્રવાસીઓને થિરુવનંતપુરમ અને ૭૬ પ્રવાસીઓને દિલ્હીના હિન્ડોન એરપોર્ટ પર સલામત રીતે પહોંચાડયા હતા. એરફોર્સના બંને વિમાનો શનિવારે ભારત સરકારના સાગરબંધુ અભિયાન હેઠળ રાહત સામગ્રી લઈને કોલંબો એરપોર્ટ પહોંચ્યા હતા. દિતવાહ ચક્રવાતના કારણે શ્રીલંકામાં મોટાપાયે પૂર, ભૂસ્ખલનની આપત્તીઓ આવી છે તેમજ ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વધુમાં શ્રીલંકામાં આ ચક્રવાતની ૩,૦૯,૬૦૭ પરિવારોના ૧૧,૧૮,૯૨૯ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

