તમિલનાડુમાં મ્યુનિ. વહિવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગમાં ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો દાવો ઇડીએ કર્યો છે. સાથે જ એજન્સીએ આ મામલે તમિલનાડુ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી પણ ભલામણ કરી હતી.

ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે મ્યુનિ. અને પાણી પુરવઠા વિભાગમાં ભરતીમાં ગેરરિતી આચરાઇ છે, એક પોસ્ટ બદલ આશરે ૨૫થી ૩૫ લાખ રૂપિયા વસુલવામાં આવ્યા છે. આ કૌભાંડમાં કેટલાક સરકારી કર્મચારીઓ અને રાજકારણીઓ પણ સામેલ હોવાનો દાવો ઇડીએ કર્યો હતો. ઇડીનો આરોપ છે કે રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા દરમિયાન આશરે ૨૫૦૦ જેટલા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રત્યેક ઉમેદવાર પાસેથી આશરે ૨૫થી ૩૫ લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. એજન્સીના સુત્રોએ દાવો કર્યો હતો કે આ મુદ્દે રાજ્યના ડીજીપીને પત્ર લખવામાં આવ્યો છે અને કથિત કૌભાંડને લઇને જે વોટ્સએપ ચેટ, ફોટો, દસ્તાવેજો અને ફોટો વગેરે પુરાવા મળી આવ્યા હતા તે પોલીસને સોંપવામાં આવ્યા છે. આ મુદ્દે ઇડી દ્વારા કેટલાક ડિવાઇસ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આશરે ૧૫૦ જેટલા ઉમેદવારોએ પસંદગી બદલ લાંચ આપી તેની વિગતો પણ એજન્સીએ પોલીસને સોંપી છે. એવા અહેવાલો છે કે લાંચના આ રૂપિયા રોકડવામાં આપવામાં આવ્યા હતા. અને હવાલા રેકેટ દ્વારા આ રૂપિયા આરોપીઓ સુધી પહોંચ્યા હતા.

