ઓડિશામાં ગેરકાયદે ખાણકામ અને મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ગંજમ જિલ્લામાં બીજુ જનતા દળ (BJD)ના ઉપપ્રમુખ અને કોન્ટ્રાક્ટર હૃષિકેશ પાધીના નિવાસસ્થાને દરોડા દરમિયાન કરોડો રૂપિયાની રોકડ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તિજોરીઓ અને કબાટમાંથી 500ની નોટોના અસંખ્ય બંડલ જોઈને તપાસ કરી રહેલા અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.
એક સાથે 20 સ્થળોએ સર્ચ ઓપરેશન

EDએ હૃષિકેશ પાધી અને તેમના કથિત નાણાકીય નેટવર્ક સાથે જોડાયેલા ગંજમ જિલ્લાના અંદાજે 20 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. બહેરામપુર શહેરના ઉદ્યોગપતિઓના નિવાસસ્થાનો સહિત બિજીપુર, લાંજીપલ્લી અને જયપ્રકાશ નગર જેવા વિસ્તારોમાં તપાસનો ધમધમાટ તેજ કરાયો છે.પાનવાળા અને ડ્રાઈવરોના નામે લાઈસન્સ
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે રેતી માફિયાઓએ કાયદાથી બચવા માટે ઓટો માલિકો, ટ્રેક્ટર ચાલકો અને નાની દુકાનો ધરાવતા સામાન્ય લોકોના નામે રેતીના લીઝ મેળવ્યા હતા. રૂષિકુલ્યા, બહુદા અને બડા નદીઓના પટમાં મોટા પાયે ગેરકાયદે ખાણકામ કરી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હતું. CAGના અહેવાલ બાદ આ કૌભાંડની ગંભીરતા સામે આવી હતી, જેના આધારે EDએ ‘મની લોન્ડરિંગ’નો કેસ દાખલ કર્યો છે.
ખનીજ માફિયા અને ગુનાહિત જોડાણ
EDના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ખેલમાં અનેક મોટા નેતાઓ, દલાલો અને ગુનાઈત પ્રવૃત્તિ ધરાવતા માફિયાઓ સામેલ છે. તેઓ સ્થાનિક રહેવાસીઓને ડરાવી-ધમકાવીને ગેરકાયદે રીતે ખનિજનું ઉત્ખનન કરી રહ્યા હતા. ગંજમ જિલ્લામાં અગાઉ નોંધાયેલી અનેક FIRને આધારે EDએ તપાસનો વ્યાપ વધાર્યો છે. જો કે, હજુ સુધી EDએ જપ્ત કરાયેલી રોકડની ચોક્કસ રકમ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર, આ રકમ ખૂબ મોટી હોઈ શકે છે. તપાસ ટીમ હાલ રોકડના સ્ત્રોત અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે.
