કન્ઝ્યુમર કોર્ટ દ્વારા એર ઇન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. દિલ્હીમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ-VIએ એર ઇન્ડિયાને લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સેવામાં ખામી બદલ એક મુસાફર અને તેની પુત્રીને ₹1.5 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

પીડિત પિતા અને પુત્રીએ તૂટેલી સીટો, ફ્લાઇટમાં ખરાબ મનોરંજન વ્યવસ્થા, ગંદા વોશરૂમ, ખરાબ ખોરાક સેવા અને કેબિન ક્રૂ તરફથી અયોગ્ય પ્રતિભાવની ફરિયાદ કરી હતી. 14 જાન્યુઆરીના આદેશમાં આયોગે જણાવ્યું હતું કે, “કમિશનનું માનવું છે કે ફરિયાદી માનસિક યાતના અને સેવાઓનો ઇનકાર કરવાને કારણે થતી વેદના માટે વળતર મેળવવા માટે હકદાર છે, જેના માટે મોટી રકમ વસૂલવામાં આવી હતી.” કોર્ટે એર ઇન્ડિયાને ફરિયાદી અને તેની પુત્રી બંનેને 50-50 હજાર અને કેસના ખર્ચ માટે ₹50,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આયોગે ટિકિટ રિફંડ વિનંતી ફગાવી
જોકે, આયોગે ટિકિટ રિફંડ વિનંતી ફગાવી દીધી હતી. કારણ કે મુસાફરે તેની મુસાફરી પૂર્ણ કરી લીધી હતી. આયોગના પ્રમુખ પૂનમ ચૌધરી અને સભ્ય શેખર ચંદ્રાની બનેલી સમિતિએ શૈલેન્દ્ર ભટનાગરની ફરિયાદના આધારે આ આદેશ જારી કર્યો હતો.
શું હતું સમગ્ર ઘટના?
શૈલેન્દ્રએ સપ્ટેમ્બર 2023માં એર ઇન્ડિયાની દિલ્હી-ન્યૂ યોર્ક-દિલ્હી ફ્લાઇટમાં મેકમાયટ્રિપ દ્વારા બુક કરાયેલી ઇકોનોમી ક્લાસ ટિકિટનો ઉપયોગ કરીને તેની પુત્રી સાથે મુસાફરી કરી હતી. એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરીમાં અગવડતાને લઈને કોર્ટમાં અરજી કરી હતી. જેમાં લાંબી મુસાફરી દરમિયાન અનેક ખામીઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આમ તેમાં તૂટેલી સીટો, ખામીયુક્ત કંટ્રોલ અને કોલ બટન, બિનકાર્યક્ષમ મનોરંજન સ્ક્રીન, ગંદા વોશરૂમ, વિમાનની અંદર દુર્ગંધ, નબળી ગુણવત્તાવાળા ખોરાક અને પીણાં અને વારંવાર ફરિયાદો છતાં કેબિન ક્રૂની નિષ્ક્રિયતા જોવા મળી હતી. જોકે, એર ઇન્ડિયાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા
એર ઇન્ડિયાએ કહ્યું હતું કે, ફ્લાઇટની ઉડાન પહેલાં નિયમિત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેને ઓપરેશન માટે મંજૂરી આપવામાં આવી હતી. એરલાઇને દાવો કર્યો હતો કે, ફરિયાદી અને તેમની પુત્રીએ બિઝનેસ ક્લાસમાં અપગ્રેડની વિનંતી કરી હતી, જે બેઠકોના અભાવે મંજૂર થઈ શકી ન હતી. તેમણે જણાવ્યું હતું કે, વિનંતી નકારવામાં આવ્યા પછી જ ફરિયાદો ઊભી થઈ હતી.
શું છે DGCA નિયમો?
જો કોઈ એરલાઇન DGCA નિયમો હેઠળ આવશ્યક સુવિધાઓ(જેમ કે ખોરાક, પાણી, એર કન્ડીશનીંગ, સંદેશાવ્યવહાર, રહેઠાણ, અથવા વિલંબ/રદીકરણ વિશેની માહિતી) પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે, તો આ સેવામાં ખામી ગણાય છે. ત્યારબાદ મુસાફર રિફંડ અને/અથવા વળતરનો દાવો કરી શકે છે. આદેશમાં જણાવાયું છે કે, ફરિયાદીએ સીટોની સ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફિક પુરાવા રજૂ કર્યા હતા અને એરલાઇનને તેમની ફરિયાદોની વિગતો આપતી કાનૂની નોટિસ મોકલી હતી.આયોગે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાએ નોટિસનો જવાબ આપ્યો ન તો સીટની સ્થિતિ, ફ્લાઇટમાં સિસ્ટમ્સ, સ્વચ્છતા અને એકંદર સેવા ગુણવત્તા સંબંધિત ચોક્કસ ફરિયાદોનો સંતોષકારક જવાબ આપ્યો. કમિશનના જણાવ્યા મુજબ, સ્પષ્ટ પ્રતિભાવના આ અભાવે એરલાઇનનો બચાવ નોંધપાત્ર રીતે નબળો પાડ્યો હતો. કાનૂની નોટિસમાં વર્તમાન ફરિયાદ કેસમાં લગાવવામાં આવેલા તમામ આરોપો સામેલ છે, પરંતુ OP-1 (એર ઇન્ડિયા) મૌન રહ્યું. જો OP-1ની સેવામાં કોઈ ખામી ન હોત, તો OP-1 (એર ઇન્ડિયા) ચોક્કસપણે કડક પ્રતિક્રિયા આપત.
ફરિયાદીએ મુસાફરીની તારીખ બદલવા માટેના વધારાના ચાર્જ સહિત ₹3.18 લાખના સંપૂર્ણ રિફંડ અને ₹10 લાખના નુકસાનની માંગણી કરી હતી. આયોગે રિફંડની વિનંતીને નકારી કાઢી હતી.
