દિલ્હીના પ્રગતિ મેદાનના ઐતિહાસિક અને આર્કીટીકની દ્રષ્ટિએ ઉત્તમ એવા પરિસર ભારત મંડપમમાં પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને ‘માનસ:સનાતન ધર્મ ‘નું ગાન તારીખ 17 થી પ્રારંભ થયું છે. કથા સંવાદના તૃતીય દિવસે આજે રામ જન્મભૂમિ ન્યાસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદગીરીજી તથા અન્ય ગણમાન્ય અતિથિઓ પણ ઉપસ્થિત હતાં.

પૂજ્ય મોરારિબાપુએ કથા સંવાદના પ્રવાહને આગળ વધારતા કહ્યું કે સનાતન શબ્દનો અર્થ દિવ્ય પુરુષ એવો થાય છે. દેવ શબ્દની કેટલીક મર્યાદા છે પરંતુ દિવ્યતા એ પોતાના પ્રભાવથી પ્રકાશિત છે. ભવ્ય હોય તે ભંગાર થઈ શકે પણ દિવ્ય રોજ નુતન અને નવીન હોય.અર્જુને કૃષ્ણને ‘સનાતસ્વમ’ સંબોધીને તેને શાશ્વતની વ્યાખ્યા આપી છે. ભગવદ્ ગીતામાં શાશ્વત અને સનાતન બંને શબ્દો મળે છે. દરેકની પહેલી ભક્તિ શ્રવણ છે. કૃષ્ણએ પોતાના જન્મને દિવ્ય કર્યો છે તેથી પરાપૂર્વથી સનાતન અચલ છે, ગુણાતીત છે, માયાતિત છે, બધાથી અતિત છે. સાધુ કુલવંત, બલવંત, શીલવંત અને તલવંત હોય. સાધુ કદી દલવંત ન હોય. એટલે કે જેની પાસે પોતાનું દળ છે તેને સાધુ શબ્દ સાથે જોડી ન શકાય.પુસ્તક એ શિક્ષક છે, ગ્રંથ એ ગુરુ છે, રામચરિત માનસ એ સદગુરુ છે, જે ગ્રંથાતિત છે તે બુદ્ધ પુરુષ છે.બાપુએ આજે સાધુ, સનાતન અને સિદ્ધિ ઉપરની પણ ચર્ચાઓ કરી હતી.
કથાના ક્રમને આગળ વધારતા મહાદેવ દ્વારા સર્જિત માનસનું મહાત્મ્ય પ્રસ્તુત થયું હતું. સદ્ ગ્રંથનું મૂળ સ્થાન હૃદય છે તે પ્રસ્થાપિત કરવામાં આવ્યું.
આજની કથાના વિરામ સમયે રામ જન્મભૂમિના સમિતિના ઉપાધ્યક્ષ પૂજ્ય ગોવિંદગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પોતાના પ્રાસંગિકમાં કહ્યું કે આપણી સંસ્કૃતિને બચાવવા માટે શિક્ષણ અને વિરાસત બંને મહત્વના પાસાઓ છે.તેને જાળવવાનું આ નેતૃત્વ કાર્યરત છે તેને સૌએ સમજવું જોઈએ. આપણે માત્ર રામ મંદિરનું નિર્માણ નહીં પણ રાષ્ટ્ર નિર્માણથી રામરાજ્ય તરફ ગતિ કરી રહ્યા છીએ.
સાંધ્ય કાર્યક્રમમાં ઘણા ઘણા સુફી કલાકારોએ પોતાની પ્રસ્તુતિ કરી હતી.
REPOTER : (તખુભાઈ સાંડસુર દ્વારા)

