હવે શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે એવામાં દિલ્હીમાં પ્રદૂષણને લઇને અત્યારથી જ ચિંતા વધી ગઇ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ અટકાવવા માટે યોગ્ય પ્લાન ઘડવા ત્રણ સપ્તાહની સમય મર્યાદા નક્કી કરી છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન, સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આદેશ આપ્યો છે કે તેઓ રાજ્યોની સાથે મળીને ત્રણ મહિનાની અંદર આ સમસ્યાનું સમાધાન લાવે. સાથે જ કહ્યું છે કે દિલ્હીમાં પ્રદૂષણ અટકાવવા માટે બાંધકામ પર પ્રતિબંધ ના મુકશો, તેનાથી રોજગારી મેળવવા દિલ્હી આવતા મજૂરોની આજીવિકા પર ખરાબ અસર પડશે.સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઇ, ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રને ખેડૂતો દ્વારા પરાળી સળગાવવા મુદ્દે પંજાબને આકરા આદેશ આપ્યા છે. બેંચે કહ્યું છે કે પરાળી સળગાવવાની ના પાડવામાં આવી હોવા છતા જે ખેડૂતો દ્વારા પરાળી સળગાવવામાં આવી રહી છે તેમની ધરપકડ કરીને અન્ય ખેડૂતોને એક આકરો સંદેશો કેમ ના મોકલી શકાય? પંજાબ સરકારને કડક શબ્દોમાંબેંચે કહ્યું હતું કે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરો અન્યથા અમારે આકરા આદેશ જારી કરવા પડશે.

ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી પડી છે. જેની સુઓમોટો દ્વારા નોંધ લઇને સુપ્રીમ કોર્ટે કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને આદેશ આપ્યા છે, જે માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટી સરકારના વકીલને સવાલ પૂછ્યો હતો કે પરાળી સળગાવતા ખેડૂતોની ધરપકડ કેમ ના કરી શકાય? ખેડૂતો વિશેષ છે અને તેમના કારણે આજે આપણે અન્ન લઇ શકીએ છીએ, પરંતુ તેનો અર્થ એમ નથી કે આપણે પર્યાવરણનું રક્ષણ ના કરીએ.
સરકાર કોઇ દંડ અંગે કેમ નથી વિચારી રહી? અમે સમાચારપત્રમાં વાચ્યું હતું કે પરાળીનો ઉપયોગ બાયોફ્યૂઅલ તરીકે થઇ શકે છે. જો આ શક્ય હોય તો પરાળી સળગાવતી અટકાવવી જોઇએ. બીજી તરફ દિલ્હીમાં પ્રદૂષણ વધે ત્યારે નવા બાંધકામ પર પ્રતિબંધ મુકી દેવામાં આવે છે. સુપ્રીમે કહ્યું હતું કે આવા પ્રતિબંધ મુકી દેવાથી મજૂરોની રોજીરોટી પર અસર પડે. માટે અન્ય કોઇ નિરાકરણ શોધો, બાંધકામ પર પ્રતિબંધ ના મુકી શકાય. ત્રણ મહિનાની અંદર એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એવો કોઇ રસ્તો શોધે કે જેથી બાંધકામ અટકાવ્યા વગર જ પ્રદૂષણ અટકાવી શકાય. જ્યારે આ બાંધકામ અટકાવવામાં આવે છે ત્યારે મજૂરોને વળતર નથી અપાતું.

