દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે-4 પર આવેલા સાંપા ટોલ પ્લાઝા પર વાહનચાલકો સાથે ટોલના નામે મોટા પાયે છેતરપિંડી થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાહનચાલકોની ફરિયાદ બાદ ટોલ પ્લાઝાનો મુખ્ય મેનેજર પોતાની ઓફિસ છોડીને ફરાર થઈ ગયો હતો, જેના કારણે લોકોનો ગુસ્સો વધુ ભડક્યો છે.

વાહનચાલકોના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષથી સાંપા ટોલ પ્લાઝા પર સિસ્ટમની ખામીના નામે ડબલ ટોલ વસૂલવામાં આવે છે, વાહન પસાર ન થયું હોય તો પણ પૈસા કપાઈ જાય છે અને કેટલીકવાર તો ઘરે પાર્ક કરેલી ગાડીઓનો પણ ટોલ કપાઈ રહ્યો છે. જ્યારે આ બાબતે ફરિયાદ કરવા લોકો પહોંચ્યા, ત્યારે સ્ટાફે ખુલ્લેઆમ કહ્યું કે “જે ફરિયાદ કરે છે તેને જ રિફંડ મળે છે, બાકીનાના પૈસા ગયા.”
આ અંગે મેનેજરને સીધો સવાલ પૂછવામાં આવતા, તે જવાબ આપવાને બદલે પોતાની બેગ લઈને ભાગી ગયો હતો. લોકોએ હવે માંગણી કરી છે કે છેલ્લા એક વર્ષમાં થયેલી તમામ ખોટી કપાતની તપાસ કરીને મુસાફરોને આપોઆપ રિફંડ આપવામાં આવે. સાથે જ, ફરાર મેનેજર સામે કડક કાર્યવાહી કરવાની અને ભવિષ્યમાં આવી લૂંટ ન થાય તેની ખાતરી આપવાની પણ માંગ કરવામાં આવી છે. જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

