દિલ્હી હાઇકોર્ટે રાજધાનીમાં આવેલી ઐતિહાસિક શાહી જામા મસ્જિદની આસપાસના વિસ્તારોમાં થયેલા ગેરકાયદે અતિક્રમણ અને MCD પાર્કની સ્થિતિ અંગે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હી(MCD)ને બે મહિનાની અંદર આ સમગ્ર વિસ્તારનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો સર્વે દરમિયાન કોઈ પણ ગેરકાયદે બાંધકામ મળી આવશે, તો કાયદા મુજબ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

જનહિત અરજી પર સુનાવણી પર હાઇકોર્ટનો આદેશ
ફરહત હસન નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી કરતાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો. અરજદારે માગ કરી હતી કે, જામા મસ્જિદ જેવા સંરક્ષિત સ્મારકની આસપાસ રસ્તાઓ અને જાહેર જગ્યાઓ પર થયેલા અતિક્રમણને તાત્કાલિક દૂર કરવામાં આવે. હાઇકોર્ટે આ મામલે MCDને કડક સૂચના આપી છે કે, તેઓ જામા મસ્જિદની આસપાસના પાર્ક અને જાહેર સ્થળો પર થયેલા ગેરકાયદે બાંધકામનો સંપૂર્ણ સર્વે કરે અને તેનો રિપોર્ટ આગામી બે મહિનાની અંદર કોર્ટમાં રજૂ કરે. આ ઉપરાંત નિયમ વિરુદ્ધ થયેલા બાંધકામો સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તેને હટાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
અરજીમાં કરાયેલી મુખ્ય રજૂઆતો
અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, જામા મસ્જિદના દરવાજા પાસે ગેરકાયદે પાર્કિંગ, જાહેર માર્ગો પર ફેરિયાઓ અને ગેરકાયદે વ્યાવસાયિક એકમોનો જમાવડો થઈ ગયો છે. આ પ્રવૃત્તિઓને કારણે સ્મારકની ગરિમા અને જાહેર અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે જામા મસ્જિદ ASI (ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ) હેઠળનું એક સંરક્ષિત સ્મારક છે અને તે દિલ્હી વક્ફ બોર્ડની મિલકત હેઠળ આવે છે.
ઐતિહાસિક વારસો: શાહી જામા મસ્જિદ
શાહી જામા મસ્જિદ ભારતની સૌથી મોટી અને ભવ્ય મસ્જિદોમાંની એક છે. મુઘલ બાદશાહ શાહજહાંએ વર્ષ 1650માં તેનું નિર્માણ શરુ કરાવ્યું હતું. લાલ બલુઆ પથ્થર અને આરસપહાણથી બનેલી આ મસ્જિદમાં પરંપરાગત પર્સિયન શૈલીની ઝલક જોવા મળે છે. ત્રણ વિશાળ પ્રવેશદ્વાર અને બે ઊંચી મીનારો ધરાવતા આ મસ્જિદના પ્રાંગણમાં હજારો શ્રદ્ધાળુઓ એકસાથે નમાઝ પઢી શકે છે.

