દેશમાં દિવ્યાંગ લોકોના આત્મગૌરવનું રક્ષણ કરવા એસસી-એસટી કાયદા જેવો આકરો દંડનીય કાયદો બનાવવા સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે, એસસી-એસટી કાયદામાં જાતિસૂચક ટીપ્પણીને ગુનો માનવામાં આવ્યો છે અને સજાની જોગવાઈ કરાઈ છે. તે રીતે દિવ્યાંગો માટે પણ આકરો કાયદો લાવવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે મેસર્સ એસએમએ ક્યોર ફાઉન્ડેશનની અરજી પર સુનાવણી કરતા કેન્દ્રને દિવ્યાંગોના આત્મગૌરવની રક્ષા માટે આકરો કાયદો લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમયે કેન્દ્ર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમના આ સૂચનની પ્રશંસા કરી હતી હતી અને કહ્યું કે, મજાક ઉડાવીને કોઈના આત્મગૌરવને ઠેસ પહોંચાડી શકાય નહીં.સૂચના પ્રસારણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, દિવ્યાંગ વ્યક્તિઓ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણીઓ અને તેમની મજાક ઉડાવવા જેવા મામલાના ઉકેલ માટે કેટલાક દિશા-નિર્દેશો તૈયાર કરાઈ રહ્યા છે. આ સંદર્ભમાં બેન્ચે કહ્યું કે આ દિશા-નિર્દેશોને ચર્ચા માટે જાહેર કરવા જોઈએ. આ કેસની આગામી સુનાવણી ચાર સપ્તાહ પછી મુલતવી રખાઈ છે.
મેસર્સ એસએમએ ક્યોર ફાઉન્ડેશને તેની અરજીમાં ઈન્ડિયાઝ ગોટ લેટેંટના હોસ્ટ સમય રૈના અને અન્ય સોશિયલ મીડિયા ઈન્ફુલેન્સર્સ વિપુન ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘઈ, સોનાલી ઠક્કર તથા નિશાંત જગદીશ તનવરે કરેલા મજાકીય નિવેદનોનો વિરોધ કર્યો હતો. સુપ્રીમની બેન્ચે હાસ્ય કલાકાર સમય રૈના અને અન્યોને ભવિષ્યમાં પોતાના વર્તન પ્રત્યે સાવધાન રહેવાની ચેતવણી આપતા દિવ્યાંગજનોની સફળતાની ગાથાઓ અંગે પ્રત્યેક મહિને બે કાર્યક્રમ યોજવા નિર્દેશ આપ્યા હતા, જેથી દિવ્યાંગજનો, વિશેષરૂપે એસએમએથી પીડિત લોકોની સારવાર માટે ભંડોળ એકત્ર કરી શકાય.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, ઈન્ફ્લુએન્સર્સ એસએમએ જેવી દુર્લભ બીમારીઓથી પીડિત લોકોને સમયસર સારવાર પૂરી પાડવાના આશયથી ભંડોળ એકત્ર કરવા માટે પોતાના મંચો પર વિશેષરૂપે સક્ષમ વ્યક્તિઓને આમંત્રિત કરી શકે છે. એસએમએ ક્યોર ફાઉન્ડેશને કેસની પતાવટ માટે રૈના સમયની રૂ ૨.૫ લાખની ઓફર નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, આ તેમના ગૌરવનો સવાલ હતો.

