દેહરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી થઈ રહેલા મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતમાં દસ લોકોના મોત થયા છે. જ્યારે આઠ ગુમ છે. સહસ્ત્રધારા નજીક પૂરના કારણે ભારે નુકસાન થયું છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારો અને પૂરપીડિતોને સંભવિત તમામ મદદ કરવા આશ્વાસન આપ્યું છે. માલદેવતા ક્ષેત્રમાં નદીમાં પૂર આવતાં રસ્તાઓ, પુલ જળમગ્ન બન્યા છે. રિસ્પના અને બિંદાલ નદીનું જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક દુકાનો અને હોટલ પાણીમાં વહી ગઈ છે.
મસૂરી-દેહરાદૂનમાં ભૂસ્ખલન
દેહરાદૂન-પાંવટા નેશનલ હાઇવે પર પ્રેમનગર નંદા પોલીસ સ્ટેશન નજીક બ્રિજ પાણીમાં તણાઈ જતાં પરિવહન સેવા ખોરવાઈ છે. મસૂરી-દહેરાદૂન રસ્તામાં અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે. આસન નદીમાં ટ્રેક્ટર ટ્રોલી વહી જતાં 13 લોકો ગુમ થયા હતા. જેમાં પાંચના મૃતદેહ મળી આવ્યા છે. અન્યની શોધ ચાલુ છે. અન્ય એક સ્થળેથી પૂરના કારણે 10ના મોત થયા હતા. જ્યારે આઠ લોકો તણાઈ ગયા છે. કાલસી ચકરાતા મોટર માર્ગ પર જજ રેટ પહાડ પર ભૂસ્ખલન થતાં સ્કૂટી સવાર યુવકનું મોત થયું હતું. મસૂરીના ઝડીપાનીથી રાજપુર જતાં પગદંડી નજીક પણ ભૂસ્ખલન થતાં બે લોકો કાટમાળ નીચે દબાયા હતા. જેમાં એકનું મોત થયુ હતું. ઠેરઠેર કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

