સુપ્રીમ કોર્ટે મંગળવારે એક સમાચાર પર ચિંતા વ્યક્ત કરી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં દર આઠ મિનિટે એક બાળક લાપતા થાય છે. સુપ્રીમે આ બાબતને ગંભીર ગણાવી હતી.

ન્યાયમૂર્તિ બી વી નાગરત્ના અને ન્યાયમૂર્તિ આર મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે દેશમાં દત્તક લેવાની પ્રક્રિયા જટિલ છે અને કેન્દ્રે આ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની જરૃર છે.
સુપ્રીમે જણાવ્યું હતું કે દત્તક લેવાની પ્રક્રિયા જટિલ હોવાથી આ પ્રક્રિયાનો ભંગ થવું સ્વભાવિક છે અને લોકો બાળક દત્તક લેવા માટે ગેરકાયદે રીતોનો ઉપયોગ કરે છે.
સુનાવણી દરમિયાન કેન્દ્રની તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ બાળકો લાપતા થવાની સમસ્યાને દૂર કરવા માટે એક નોડલ અધિકારીની નિમણૂક માટે છ સપ્તાહનોે સમય માંગ્યો હતો.જો કે સુપ્રીમ કોર્ટે છ સપ્તાહનો સમય આપવાનો ઇનકાર કર્યો હતો અને એએસજીને ૯ ડિસેમ્બર સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું હતું.
ખંડપીઠે ૧૪ ઓક્ટોબરે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતાં કે તે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાપતા બાળકોના કેસોની દેખરેખ રાખવા માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવા તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત મિશન વાત્સલ્ય પોર્ટલ પર પ્રકાશન માટે તેમના નામ અને સંપર્કની માહિતી ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા હતાં.
તેણે નિર્દેશ આપ્યા હતાં કે જ્યારે પણ પોર્ટલ પર કોઇ લાપતા બાળકની ફરિયાદ થાય તો તેની માહિતી સંબધિત નોડલ અધિકારીને આપવી જોઇએ.
