NATIONAL : ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ

0
30
meetarticle

ઘરેલુ એરલાઈન ઈન્ડિગોની ફ્લાઈટના સંચાલનમાં બેદરકારીના પગલે સતત પાંચમા દિવસે શનિવારે ૮૫૦થી વધુ ફ્લાઈટ રદ કરાઈ હતી. વ્યાપક પ્રમાણમાં ફ્લાઈટ્સ રદ થવાથી દેશના વિવિધ એરપોર્ટ્સ પર હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ કટોકટીના કારણે ઘરેલુ ફ્લાઈટ્સના ભાવમાં અનેક ઘણો વધારો થતાં કેન્દ્ર સરકારે શનિવારે હવાઈ ભાડાં પર નિયંત્રણો લાદી દીધા છે અને ઈન્ડિગોને રવિવાર સાંજ સુધીમાં ગ્રાહકોને રિફન્ડ ચૂકવવા આદેશ આપ્યો છે. વધુમાં ઘરેલુ ઉડ્ડયન બજારમાં ૬૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતી ઈન્ડિગોએ એફડીટીએલ નિયમોના અમલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘૂંટણીયે લાવી દીધી હોવાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે ત્યારે આ કટોકટી દૂર કરવા છેક પાંચમા દિવસે પીએમઓ સક્રિય થયું છે. કેન્દ્ર સરકારે ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સનું રાજીનામું લેવાની તૈયારી કરી હોવાની અટકળો છે.દેશમાં નાગરિક વિમાનોના ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર ડીજીસીએએ ફ્લાઈટ ડયુટી ટાઈમ લિમિટેશન્સ (એફડીટીએલ)ના નવા નિયમોના અમલના પગલે મંગળવારથી ઈન્ડિગો એરલાઈન્સે તેની ફ્લાઈટ્સ રદ કરવાનું શરૂ કર્યું, જે દિવસે ને દિવસે વધતી ગઈ. શુક્રવારે કંપનીએ એક જ દિવસમાં ૧,૦૦૦ ફ્લાઈટ રદ કરી હતી. શનિવારે પણ કંપનીએ ૮૫૦થી વધુ ફ્લાઈટ રદ કરવી પડી હતી.

ઈન્ડિગોને નિયમોના અમલમાં છૂટ પછી સ્થિતિ થાળે પડવાની શક્યતા

ભારતીય ઘરેલુ ઉડ્ડયન બજારમાં ૬૦ ટકાથી વધુનો હિસ્સો ધરાવતી ઈન્ડિગોએ શનિવારે પાંચ દિવસમાં કુલ ૩૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરતા ત્રણ-સાડા ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ રઝળી પડયા હતા. જોકે, ડીજીસીએએ શુક્રવારે ઈન્ડિગોને એફડીટીએલ નિયમના અમલમાં ફેબુ્રઆરી ૨૦૨૬ સુધીની છૂટ આપ્યા પછી હવે પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડશે તેમ મનાય છે.હવાઈ ભાડાં રૂ. 80,000ને પાર થતાં ઉડ્ડયન મંત્રાલય સફાળુ જાગ્યું

દરમિયાન ઈન્ડિગોના સંકટના કારણે અન્ય વિમાન કંપનીઓ દ્વારા હવાઈ ભાડાંમાં અસાધારણ વધારો કરવામાં આવતા ઘરેલુ ફ્લાઈટ્સના ભાવ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કરતાં પણ વધી ગયા હતા અને કેટલાક રૂટ પર હવાઈ ભાડું રૂ. ૮૦,૦૦૦ને પાર થઈ ગયું હતું. આ સ્થિતિના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે દેશના બધા જ રૂટ પર ફેર કેપ નિયમ લાગુ કરી દીધો હતો, જેથી કોઈપણ એરલાઈન્સ કોઈપણ પ્રકારે મનમાની રીતે અથવા તકવાદી વલણ અપનાવી ભાડું વસૂલ ના કરી શકે.

બિઝનેસ ક્લાસ અને ઉડાન ફ્લાઈટ પર કોઈ નિયંત્રણ નહીં

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ ભાડાં પર નિયંત્રણો મૂકતા બે પાનાનો આદેશ જાહેર કરતા કહ્યું કે, ઈન્ડિગો કટોકટી ચાલુ છે ત્યાં સુધી કોઈપણ એરલાઈન્સ કોઈપણ રૂટ પર અતાર્કિક ભાડું વસૂલી શકશે નહીં. જોકે, બિઝનેસ ક્લાસ અને ઉડાન ફ્લાઈટ્સ માટે ભાડાં મર્યાદા લાગુ નહીં પડે. જોકે, આ આદેશમાં ભાડાં મર્યાદા ઈકોનોમી ક્લાસ માટે અથવા ઈકોનોમી અને પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ માટે લાગુ પડશે તે સ્પષ્ટ કરાયું નથી. ભાડાં મર્યાદાનો અર્થ છે કે ઈકોનોમી ક્લાસ માટે દિલ્હીથી મુંબઈ ફ્લાઈટનું હવાઈ ભાડું રૂ. ૧૮,૦૦૦થી વધુ વસૂલી શકાશે નહીં, જેનું અંતર અંદાજે ૧,૩૦૦ કિ.મી. છે.

સામાન્ય જનતાને આર્થિક બોજથી બચાવવા હવાઈ ભાડાં પર નિયંત્રણ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે, આ પગલાંનો આશય હવાઈ ભાડાંમાં શિસ્ત જાળવી રાખવાનો, મુશ્કેલીમાં મુકાયેલા પ્રવાસીઓને શોષણથી રોકવાનો અને વરિષ્ઠ નાગરિક, વિદ્યાર્થી અને દર્દીઓ કે જેમણે સંજોગોવસાત ફરજિયાત તુરંત પ્રવાસ કરવો પડી શકે તેમને રાહત આપવાનો છે. આ વર્ગોએ જંગી હવાઈ ભાડાંના કારણે ભારે આર્થિક બોજનો સામનો કરવો પડી શકે છે.

ઈન્ડિગોને સમસ્યાનો ઉકેલ લાવવા ટાઈમબાઉન્ડ અલ્ટીમેટમ

ઈન્ડિગો એરલાઈનના કારણે સર્જાયેલી કટોકટીથી લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા પછી છેક પાંચમા દિવસે પીએમઓ મેદાનમાં આવ્યું છે. વડાપ્રધાન મોદીને સમગ્ર કટોકટીની વિગતવાર માહિતી આપવામાં આવી છે. પીએમઓએ ઈન્ડિગોને તાત્કાલિક અસરથી આ સમસ્યાનો ઉકેલ લાવવા નિર્દેશ આપ્યા છે. વધુમાં ઈન્ડિગોને ટાઈમ બાઉન્ડ અલ્ટીમેટમ અપાયું છે, જેમાં એરલાઈનને રવિવારે રાતે ૮.૦૦ વાગ્યા સુધીમાં જેમની ફ્લાઈટ રદ કરાઈ હોય તેવા બધા જ પ્રવાસીઓને ભાડું રિફન્ડ કરવા કહેવાયું છે. રદ કરાયેલી ફ્લાઈટ્સનું રિફન્ડ ઓટોમેટિક અનિવાર્ય કરી દેવાયું છે, જેથી પ્રવાસીઓએ હવે રિફન્ડ માટે પરેશાન થવું નહીં પડે તેમ સૂત્રોએ કહ્યું હતું. સાથે જ જે પ્રવાસીઓના સામાન હજુ પણ એરપોર્ટ પર ફસાયા હોય તે સામાન ૪૮ કલાકની અંદર તેમના ઘરે પહોંચાડવા માટે પણ નિર્દેશ અપાયા છે. 

સિસ્ટમ બ્રેકડાઉનનું સાચું કારણ જાણવા  ઉચ્ચ સમિતિની રચના

વધુમાં સૂત્રો મુજબ સરકારે આ સમગ્ર પરિસ્થિતમાં બેદરકારીપૂર્ણ વલણ દાખવવા બદલ ઈન્ડિગોના સીઈઓ પીટરલ એલ્બર્સનું રાજીનામું લઈ લેવાની તૈયારી કરી છે. ઈન્ડિગોએ એફડીટીએલ નિયમોના અમલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘૂંટણીયે લાવી દીધી હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે અમને કોઈ મજબૂર કરી શકે નહીં. સિસ્ટમ બ્રેકડાઉનનું સાચું કારણ જાણવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે. પરિસ્થિતિ સામાન્ય થયા પછી ઈન્ડિગો પર કાર્યવાહી પણ થશે અને જંગી દંડ પણ વસૂલાશે.

મુંબઈ એરપોર્ટ પર આફ્રિકાની મહિલાએ ધમાલ મચાવી

મુંબઈ : મુંબઈ એરપોર્ટ પર આફ્રિકાની એક મહિલા ઈન્ડિગોના કાઉન્ટર પર  ચડી ગઈ હતી અને સ્ટાફ પર બૂમાબૂમ કરી હતી. આ મહિલાની ફલાઈટ રદ થઈ હતી તે પછી તેણે ઈન્ડિગો સ્ટાફ પાસે જવાબ માગ્યો હતો. યોગ્ય પ્રતિભાવ ન મળતા ત કાઉન્ટર પર ચડીગઈ હતી અને તેની ભાષામોં બૂમાબૂમ કરી હતી. આ મહિલાએ વ્યકત કરેલા આક્રોશનો વીડિયો જોતજોતામાં વાયરલ થયો હતો  નેટિઝન્સોએ પોતાનો પ્રતિભાવ આપવામાં વાર લગાડી ન હતી. એક યુઝરે કહ્યું તમને પહોંચેલી પીડાનો મને ખદે છે પણ ગ્રાઉન્ડ સ્ટાફ પર બૂમાબૂમ કરવાથી શું થશે? એક અન્ય યુઝરે કહ્યું કે તે જરૂર દુખી થઈ હશે કારણ કે તેને કોઈ અગત્યના કાર્યક્રમમાં જવું હશે ફલાઈટ રદ થવાથી અને તે કાર્યક્રમમાં ગેરહાજર હશે તેવા વિચારથી તેણે પિત્તો ગુમાવ્યો હશે.

એક યુઝરે કહ્યું કે ઈન્ટરનેશનલ ફલાઈટસમાં જવા માટેની કનેકટિંગ ફલાઈટ મોંઘી પડી હશે અને ઈન્ડિગોએ તેને વળતર આપવું જોઈએ આ પરિસ્થિતિ વ્યાજબી નથી.

એક અન્ય યુઝરે કહ્યું કે હું મારા દેશ પાછી જઈ રહી છું તમે મારી ટિકિટ રદ કરી આથી હું ફ્રાંસ પાછી જઈ રહું છું. આના માટે કંઈ નથી. સુવા માટે જગ્યા નથી. હું અહીંથી મારા દેશ પાછી જઈ રહી છું.

દેશના બધા જ રૂટ પર ભાડાં મર્યાદા

કિલોમીટરભાડું
૫૦૦રૂ. ૭,૫૦૦
૫૦૦થી ૧,૦૦૦રૂ. ૧૨,૦૦૦
૧,૦૦૦થી ૧,૫૦૦રૂ. ૧૫,૦૦૦
૧,૫૦૦થી વધુરૂ. ૧૮,૦૦૦
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here