બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના તમામ રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ મળ્યું હતું. સંસ્થાઓ અને જનતાએ મુખ્ય પક્ષોને દાન આપવામાં વધુ રસ દાખવ્યો હતો. બિહારમાં રાજકીય પક્ષોને 2023-24 નાણાકીય વર્ષ કરતાં 2024-25 નાણાકીય વર્ષમાં વધુ ફંડ મળ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ફંડ મેળવવામાં આગળ રહી હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બંને પક્ષોને અનેક ગણું વધુ ફંડ મળ્યું હતું.

જાણો કોને કેટલું ફંડ મળ્યું
JDUને 1.81 કરોડ રૂપિયાની સરખામણીમાં 18.69 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું, જે લગભગ 10 ગણું વધારે છે. LJP-Rને 11.67 લાખ રૂપિયાની સરખામણીમાં 11.09 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું, જે લગભગ 100 ગણું વધારે છે. ડાબેરી પક્ષ CPI (ML)ને 43 લાખ રૂપિયાની સરખામણીમાં 49 લાખ રૂપિયાનું ફંડ મળ્યું. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી અનુસાર, લાલુ અને તેજસ્વી યાદવની પાર્ટી RJDએ હજુ સુધી નાણાકીય વર્ષ 2024-25 માટે ચૂંટણી ફંડની વિગતો ફાઇલ કરી નથી. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 2023-24માં ચૂંટણી દાનમાં 9 લાખ રૂપિયા મળ્યા હતા, જ્યારે 2024-25માં કોઈએ દાન આપ્યું ન હતું.રાષ્ટ્રીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ફંડમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે કોંગ્રેસને નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભાજપને 2023-24માં 3,967 કરોડ રૂપિયાનું ફંડમાં મળ્યું હતું, જ્યારે 2024-25માં ફંડની રકમ વધીને 6,654 કરોડ રૂપિયા થઈ ગઈ હતા.
ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી JDUને સૌથી વધુ ફંડ મળ્યું
ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર, JDUને ઈલેક્ટોરલ ટ્રસ્ટો તરફથી સૌથી વધુ ફંડ મળ્યું. પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 10 કરોડ રૂપિયા, પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 5 કરોડ રૂપિયા અને સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટ એસોસિયેશને 2 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું. 2024-25માં પાર્ટીને ઈલેક્ટોરલ ટ્રસ્ટ, કંપનીઓ અને વ્યક્તિઓ સહિત કુલ 66 સંસ્થાઓ તરફથી 18.69 કરોડ રૂપિયા મળ્યા.
બીજી તરફ LJP (R) ને પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી સૌથી વધુ 10 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું, જ્યારે પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા 1 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. પાર્ટીના સાંસદો ઉપરાંત ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું છે. ચૂંટણી પંચ અનુસાર, CPI (ML)ને 2023-24માં 43,579 રૂપિયા ફંડ મળ્યું, જે 2024-25માં 6,95,186 રૂપિયાનો વધારો દર્શાવે છે. પાર્ટીને મોટાભાગનું ફંડ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો તરફથી આવ્યા હતા.
