નેપાળ પર સંકટના વાદળો દૂર થવાનું નામ લઈ રહ્યા નથી. પહેલાં કુત્રિમ (Gen Z હિંસા) અને હવે કુદરતે કહેર માંડ્યો છે. નેપાળમાં 36 કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂર આવતાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા છે, અનેક ગુમ છે. પ્રવાસીઓ પણ ફસાયા છે. તેમને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પોલીસના પ્રવક્તા બિનોદ ઘિમિરે જણાવ્યું હતું કે, જુદા-જુદા સ્થળો પર ભૂસ્ખલનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લોકો ઈજાગ્રસ્ત છે. દક્ષિણ નેપાળમાં વીજળી પડતાં ત્રણ લોકોના મોત થયા છે.
એનડીઆરઆરએમએના પ્રવક્તા શાંતિ મહતે જણાવ્યું હતું કે, પૂરના કારણે 11 લોકો વહી ગયા છે. તેમની શોધખોળ ચાલુ છે. ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે. આજે સવાર સુધીમાં સૂર્યોદય મ્યુનિસિપાલિટીમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા પાંચ, માંગસેબુંગ મ્યુનિસિપાલિટીમાં ત્રણ અને પૂર્વીય ઈલમમાં 28 લોકોના મોત થયાના અહેવાલ છે. વહીવટીતંત્રે રાહત કામગીરી શરૂ કરી છે.

પૂર અને ભૂસ્ખલનના કારણે નેપાળના ઉદયપુરમાં બે, રૌતહટમાં 3, રસુવામાં 4, અને કાઠમાંડૂમાં 1 વ્યક્તિનું મોત થયુ છે. જુદી-જુદી દુર્ઘટનામાં ખોટાંગ, ભોજપુર, રૌતહટ તથા મકવાનપુર જિલ્લામાં વીજ પડતાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પંચથર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં છના મોત થયા હતાં. પૂર્વીય નેપાળમાં રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. નેપાળની કોસી બૈરાજ નદીના તમામ 56 દરવાજા ખોલવામાં આવ્યા છે.
વિસ્તારના એસએસપી પોખરેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ આપત્તિમાં મૃત્યુઆંક વધી શકે છે. હાલમાં નુકસાનની સમીક્ષા થઈ રહી છે. અત્યાર સુધીમાં મારી પાસે નુકસાન અને નુકસાનની માત્ર પ્રાથમિક વિગતો છે. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ત્રણેય સ્તરની સુરક્ષા એજન્સીઓ (નેપાળ આર્મી, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસ સહિત) અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. નેપાળના આ વિસ્તારોમાં હજી વધુ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. નદીઓમાં પૂર આવ્યું છે. કાઠમંડુ ખીણમાં પૂરના મેદાનોમાંથી રહેતાં લોકોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે.
સુરક્ષા એજન્સીઓએ શનિવારે ખીણમાંથી વહેતી બધી મુખ્ય નદીઓ પર વસાહતોમાં શોધ કામગીરી શરૂ કરી. તેમણે ઘરે ઘરે જઈને શોધખોળ હાથ ધરી, રહેવાસીઓને સ્થળાંતર કરવામાં અને તેમના સામાનને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં મદદ કરી.
નેપાળના જળવિજ્ઞાન અને હવામાન વિભાગે બાગમતી, હનુમંતે, મનોહરા, ધોબી ખોલા, વિષ્ણુમતી, નખ્ખુ અને બાલ્ખુ નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થવાની જાણ કરી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે પૂરના પાણી રહેણાંક વિસ્તારો સુધી પહોંચી શકે છે અને વસાહતોમાં પ્રવેશી શકે છે. પૂરના જોખમને કારણે રહેવાસીઓ અને વાહનચાલકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ થઈ છે.

