પંજાબના અમૃતસરથી બિહારના સહરસા આવી રહેલી જનસેવા એક્સપ્રેસના એક ડબ્બામાં સોનવર્ષા કચેરી સ્ટેશન નજીક અચાનક આગ લાગતાં યાત્રીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રેલવે પ્રશાસન અને સ્ટેશન પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

એક કોચ સંપૂર્ણપણે બળીને ખાખ
ઘટનાની જાણ થતાં જ ફાયર સુરક્ષા ટીમ અને રેલવે સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને ઝડપથી કાબુમાં લીધી છે. આગમાં એક કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. સદભાગ્યે, તમામ યાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જનસેવા એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય મુજબ સહરસા સ્ટેશન પર પહોંચી ગઈ હતી.
બળી ગયેલા કોચનું નિરીક્ષણ શરૂ
રેલવે તંત્રએ કહ્યું કે, પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઈલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે. જોકે, આગના ચોક્કસ કારણની પુષ્ટિ માટે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ ઘટના બાદ યાત્રીઓને સુરક્ષા નિર્દેશો આપ્યા હતા અને આગામી કાર્યવાહી માટે બળી ગયેલા કોચનું નિરીક્ષણ શરૂ કર્યું હતું.

